પૃષ્ઠ:Divadi.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાઘડી વગરનું ઘર:૪૧
 

પેલા ભોમિયાએ કદાચ કહ્યું હોય ! દેહ સાથે ધનનાં જતન પણ આ દેવી કરતી દેખાય છે ! હિંદમાં પણ આવો 'મિશનરી' સરખો સેવાભાવ આવતો જાય એ હિંદનું જરૂર સદ્ભાગ્ય કહેવાય !

'હા, મારી પાસે પાંચસો રૂપિયા છે. અહીં કશું જોખમ તો ન જ હોય.' કિશોરે કહ્યું.

દયાની દેવીએ હસીને કહ્યું :

'જોખમ તો બધે ખરું. આ જિંદગી પણ જોખમ જ છે ને?'

'તો આપની પાસે આટલી રકમ સાચવી રાખો. હું સવારે ઘર શોધવા નીકળીશ ત્યારે માગી લઈશ.' કિશોરે પોણી મિચાયલી આંખ સહ કહ્યું, નિદ્રા માટે માનસિક બાથોડિયું માર્યું, અને યુવતીના હાથમાં પૈસા મૂકી દીધા.

'ઘર શોધવા? આ પૈસા ક્યાંથી લાવ્યા?' ઊર્વશી સરખી યુવતીએ જરા ચમકીને પૂછ્યું.

'મારી પત્નીએ મોકલ્યા..એના પલ્લામાંથી ! અને ઘર શોધવાનો પ્રસંગ કેમ ઉપસ્થિત થયો તે તેણે કહેવા માંડ્યું. પરંતુ પૂરી વાત કરતાં પહેલાં તે સોફા ઉપર ઢળી પડ્યો, અને તેના દેહ ઉપર કોઈએ વસ્ત્ર ઓઢાડ્યું એટલું જ તેને સ્મરણ રહ્યું.

પ્રભાતમાં તે ઊઠ્યો. અજબ અજબ સ્વપ્ન આવી ગયાં હોય એમ તેને લાગ્યું. પ્રથમ તો તેને હમણાના નિત્ય સહવાસમાં આવેલા વિશ્રાંતિગૃહનો ભાસ થયો; પરંતુ વિશ્રાંતિગૃહ આટલું સુંદર તો ન હતું ...અને પાઘડી આપી ભાડે રાખેલી આ ઓરડી પણ ન હોય ! મુનીમે કરેલા દગાને પરિણામે તેને રાત્રે ભટકવું પડ્યું. પોલીસના ધક્કા ખાવા પડ્યા અને... હા...પેલા સેવાભાવી ભોમિયાના માર્ગદર્શન વડે કિશોરે કોઈ સેવાશ્રમના સુખભર્યા, વૈભવભર્યા સ્થાનમાં નિદ્રા મેળવી હતી. એ જ આ આશ્રમ !

તેની પાસે કાઈ નાનો છોકરો ચા મૂકી ગયો. ચા પૂરી કરી.