પૃષ્ઠ:Divadi.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શઘર્ષણ


દાદી હરિકુંવર બહુ જૂના જમાનાનાં હતાં, એટલે કે તેઓ ધર્મચુસ્ત હતાં, ઈશ્વર તેમ જ હિંદુ ધર્મે આગળ કરેલાં બધાં જ દેવદેવીઓને માનતાં હતાં, ભૂતપ્રેતના અસ્તિત્વમાં તેમને શ્રદ્ધા હતી, કથાશ્રવણ અને દેવદર્શનમાં તેઓ મહાપુણ્યકર્મ નિહાળતાં અને યાત્રા, વ્રત, શ્રાદ્ધ, સંવત્સરી એ સર્વ આવશ્યક ધર્મકાર્યો ગણી તેનું બરાબર પાલન કરતાં.

તેમનો પૌત્ર રમેશ સારું ભણીગણી એક અમલદાર બન્યો. એને ઈશ્વરમાં શ્રદ્ધા ન હતી. દેવદર્શનમાં તે માનતો નહિ અને કર્મકાંડ પ્રત્યે તેને બિલકુલ આસ્થા ન હતી; છતાં સત્ય અને પ્રામાણિકપણા માટે તેને જબરદસ્ત આગ્રહ હતો.

એ ભણતો હતો ત્યારે ગાંધીયુગે તેના ઉપર ખૂબ અસર કરી હતી. ગાંધીજીની ધાર્મિકતા પણ તેમના અનુયાયીઓને મૂર્તિપૂજનને સ્થાને વ્યાપક ઈશ્વરી તત્ત્વને માનવા તરફ વધારે વાળતો હતો. રમેશમાં એ ગાંધીવાદી ધાર્મિકતા પ્રત્યે ઉદાસીનતા પ્રવર્તતી; જોકે સત્ય અને પ્રામાણિકપણાનો તેનો આગ્રહ વધતો ચાલ્યોને દાદીએ તે