પૃષ્ઠ:Divadi.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬ : દીવડી
 

સરકારને ગાળોના વરસાદથી નવાજ્યાં ત્યારે રમેશને દાદીનું એ વલણ બહુ ગમ્યું તો નહિ. તેના મનમાં એક વિચાર તો જરૂર આવ્યો કે અંત્યજનો સ્પર્શ આટલી બધી ગાળોને પાત્ર તો ન જ હોવો જોઈએ.

રમેશ મોટો થતો ગયો તેમ તેમ તેણે દાદીથી અણગમતી વાતો છુપાવવા માંડી. પારસી કે મુસલમાનને અડકી તે પાણી પીતો ત્યારે તે ઘેર આવીને દાદીને વાત કરતો નહિ. એક અંત્યજ વિદ્યાર્થી તેની સાથે ક્રિકેટ ટીમમાં રમતો હતો એ વાત રમેશના કોઈ શુભેચ્છકે તેની દાદીને કરી ત્યારે કૉલેજમાં ભણતા રમેશની ખબર દાદીએ લઈ નાખી. ઘરમાં પ્રવેશ કરતાં બરોબર હરિકુંવરે જરા, સખ્તાઈથી કહ્યું :

'જરા ઊભો રહે. કપડાં સોતો નાહી નાખ અને પછી ઘરમાં આવ.'

'કાંઈ કારણ, મોટી મા ? સ્નાનસૂતક તો નથી ને?'

'હોય તો યે તમારે ક્યાં પાળવું છે? તમે બધાંય થઈ જાવ ખ્રિસ્તી, મુસલમાન અને ઢેડ. એટલે દુનિયા જાય રસાતાળ !'

'એવું કાંઈ બન્યું નથી, મોટી મા !'

'મારા આગળ તું જૂઠું ન બોલીશ. તું એક, ઢેડના છોકરા સાથે દડીમાર રમ્યો છે તે મેં બરોબર જાણ્યું છે. ધર્મની બાબતમાં તું મને ન છેતરીશ; બીજું ફાવે તે કરજે.'

રમેશને નહાવું પડ્યું. જોકે તેણે દાદીને સમજાવ્યાં કે એની સાથે રમનાર કોઈ ઢેડ હતું જ નહિ, પરંતુ એ છોકરાનો બાપ અંત્યજોમાં લેણદેણ કરતો હતો માટે તે જાતે ઢેડ કહેવાતો હતો એટલું જ – અને તેણે આગળ દલીલ પણ કરી :

'મોટી મા ! કયા શાસ્ત્રમાં અંત્યજને ન અડકાય એવું કહ્યું છે?'

'તે શાસ્ત્રમાં લખ્યા સિવાય આ બધા આચાર બંધાયા હશે, ખરું ને? આપણા પૂર્વજો ઘેલા ન હતા !'