પૃષ્ઠ:Divadi.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્ષ ઘર્ષણઃ ૪૭
 


'હું કબૂલ કરું છું પણ આપણા પૂર્વજોએ કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી કે અંત્યજોને અડકવું નહિ. તમે, મોટી મા ! પેલા ચંડાલ અને શંકરાચાર્ય વચ્ચે સંવાદ દરરોજ સંસ્કૃતમાં બોલો છો ને...!'

'મારે જીભાજોડી ન જોઈએ.એ ચાંડાલ તો ધર્મરાજા હતા !' હરિકુંવરે દલીલ અટકાવી રમેશને કહ્યું. ત્યાર પછી રમેશ દાદીને ચીઢવવા પણ દલીલ કરતો નહિ. આચારની બાબતમાં એ પોતાને માર્ગે જતો; ફક્ત દાદીને લાગતી આચારભ્રષ્ટતા એ દાદીને જાણવા દેતો નહિ. મોંઘા પૌત્રને દાદી પણ દિવસે દિવસે ધર્મની બાબતમાં ઓછું ડરાવતાં પહેરવામાં, ઓઢવામાં, જમવામાં, સ્પર્શાસ્પર્શમાં તેમણે પૌત્રને માટે અજબ ઉદારતા ધારણ કરવા માંડી અને રમેશનાં આચારસ્ખલનોમાં તેમણે પૌત્રના દોષ કરતાં સમયનો વધારે દોષ જોવા માંડ્યો. છતાં કોઈક કોઈક વાર બન્ને વચ્ચે આચારધર્ષણ થઈ જતાં ખરાં.

તેમાં યે જ્યારે રમેશ ઠીક ઠીક નોકરીમાં દાખલ થઈ ગયો ત્યારે આચારભિન્નતાના પ્રસંગો વધવા લાગ્યા. મોટા ભાગના ભણેલાઓના ભાગ્યમાં મોટે ભાગે નોકરી લખાયેલી હોય છે, અને રમેશ એમાં અપવાદરૂપ ન હતો. નોકરીમાં મુસલમાનને મળવું પડે અને ઢેડને પણ મળવું પડે.

હરિકુંવરની નવા યુગ સાથે મોટામાં મોટી તકરાર બે પ્રકારની હતી. છોકરાઓ દેવસેવા ન કરે, ટીલાટપકાં ન તાણે, અંઘોળ બહુ ન પાળે તે ચલાવી લેવાય એવી ક્ષતિઓ હતી; પરંતુ સ્પર્શાસ્પર્શ અને ભેળસેળ ભોજન એ હરિકુંવરને મન મહાપાપરૂપ હતાં, જે પાપની ક્ષમા ઈશ્વર કદી આપશે કે નહિ એ વિષે હરિકુંવરને બહુ ઊંચો જીવ રહેતો. તેઓ ઘણી વાર કહેતાં :