પૃષ્ઠ:Divadi.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્ષ ઘર્ષણઃ ૪૯
 

નથી...' કહી તેણે ભારતવર્ષના આધુનિક અર્થશાસ્ત્ર વિષે ન સમજાય એવા કેટલાક સિદ્ધાંતો સમજાવવા માંડ્યા. વૃદ્ધ પિતામહીએ આમાંથી એક જ સિદ્ધાંત તારવ્યો :

'સો વાતની એક વાત...આપણા લોકોને રાજ ચલાવતાં જ આવડતું નથી.'

સરકારી નોકરી કરતા રમેશને એ વાત સાચી લાગતી હોય તોપણ એ કથનની 'હા' પડાય એમ ન હતું. ઉદારતાપૂર્વક હરિકુંવરે પણ દાનધર્મ કરવાં ઘટાડી દીધાં. એટલું જ નહિ, પરંતુ તેમણે પોતાનાં વ્રત પણ વધારી દીધાં. એક દિવસ તેઓ ઘઉં બચાવે, બીજે દિવસે ખાંડ વગરની ચા પીએ અને ત્રીજે દિવસે ઘી વગરનું લૂખું ખાય. ક્યાંય સુધી તો તેમણે ચોખા વગર ચલાવ્યું ! અને એક દિવસ રમેશને દાદીના ભોજનસંકોચની ખબર પડી. તેણે કહ્યું:

'મોટી માં ! તમે હમણાં બરાબર જમતાં કેમ નથી ?'

‘જમું છું ને ભાઈ ! જે જમાય છે તે !'

'ના ના, મને ખબર પડી છે કે તમે વચમાં વચમાં ચોખા મૂકી દો છો, ઘઉં મૂકી દો છો, ઘી લેતાં નથી અને ખાંડ વગર ચલાવો છો. આપણા જેટલા માણસોનું પૂરું થાય એટલું અનાજ તો મળે છે; પછી એનું શું કારણ?'

'કારણ કોઈક દહાડો કહીશું.' કહી પાત્રને હરિકુંવરે હસી કાઢ્યો. જોકે કારણ જાણવાનો પ્રસંગ રમેશને બહુ વહેલો આવી ગયો.શ્રાદ્ધપક્ષના દિવસો આવ્યા અને હરિકુંવરે રમેશને બોલાવી કહ્યું :

'જો, આ પિતૃપક્ષમાં બીજને દિવસે પાંચ બ્રાહ્મણ, ચોથને દિવસ છ બ્રાહ્મણ, નવમીને દિવસે બ્રહ્મકન્યાઓને જમાડવાં પડશે.' '

'મોટી મા ! એ તો ન બને; કાયદો ના પાડે છે. વધારાનું અનાજ કોઈ આપે જ નહિ!'

'પરંતુ ભૂખી રહીને મેં અનાજ બચાવ્યું હોય તો ય કોઈને જમાડાય નહિ ?' દાદીએ કહ્યું.