પૃષ્ઠ:Divadi.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦ : દીવડી
 


'જુઓ ને મોટી મા ! આપણે સરકારી નોકર રહ્યા. જમણવાર કરીએ તો ખરીખોટી અરજીઓ પણ લોકો કરે. શું કરવાને એવી આફતમાં આપણે ઊતરવું ?'

'વારુ, ત્યારે તમારા રામરાજ્યમાં ખોટી અરજીઓ થાય ખરી ?' કહી દાદીએ વાત પડતી મૂકી; પરંતુ પિતૃપક્ષના દિવસો આવતાં રમેશને ખબર પડી કે દાદીએ બ્રાહ્મણોને બોલાવી તેમને સીધાં આપી દીધાં હતાં. રમેશે એ બદલ વાત શરૂ કરી ત્યારે હરિકુંવરે તેને સાંભળવાની ઘસીને ના પાડી.

'પિતૃઓને અતૃપ્ત રાખી મારે તારા કાયદા પાળવા નથી. હું દાનધર્મ નહિ કરું; પરંતુ પિતૃનું ઋણ તો માથે રખાય જ નહિ. અને હું બ્રહ્મભોજન માટે વધારાનું અનાજ ક્યાં તારી – સરકારની પાસે માગું છું ? એ તો મેં ભૂખી રહીને બચાવેલું અનાજ છે!'

'પણ મોટી મા ! એ ન ચાલે. જે બ્રાહ્મણોએ આપણું અનાજ લીધું એ બ્રાહ્મણોએ કાયદેસર રીતે તે દિવસનું અનાજ સરકારને પાછું સોંપવું જોઈએ.'

'અરે! ચાલ, મોટો સરકારવાળો ! સત્યવાદી હરિશ્ચંદ્ર હો તો જા, મારી ઉપર અને બ્રાહ્મણ ઉપર ફરિયાદ કર.'

રમેશે હજી સુધી દાદી ઉપર કે બ્રાહ્મણો ઉપર ફરિયાદ માંડી કે મંડાવી નથી. તે પોતે જ એક માપબંધીનો અમલદાર હતો અને બહુ પ્રામાણિક માપબંધીનો અમલદાર હતો. પોતાનાં દાદીમા અને બ્રાહ્મણોનો ગુનો માપબંધીના કયા કાયદાની કઈ કલમ વિરુદ્ધનો ગુનો બને એ તેણે મહેનત લઈને શેધવા માંડ્યું હતું.

અનાજની અંદર અંદર આપલે કરવી એ તો કોઈ સંજોગોમાં ગુનો થાય છે એ તો જાણતો હતો. ભૂખ્યાં રહીને પણ બચાવેલું અનાજ કેાઈને આપી શકાય જ નહિ, અને એ આપ્યું હોય તો તે લેનારનું તે દિવસ પૂરતું રેશન સરકારમાં જમા થવું જ જોઈએ એમ તેનો કાયદો તેને વારંવાર કહ્યા કરતો હતો. ક્ષણભર