પૃષ્ઠ:Divadi.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪ : દીવડી
 

સ્થપાઈ ચૂક્યો હતો. અને મનનો આગ્રહ માનવીને સફળતા પણ અર્પે છે. રસિક બધી જ પરીક્ષાઓમાં પહેલે ક્રમે આવતો. તેનું અહં શિક્ષકો પણ પોષતા, અને કુટુંબ પણ પોષતું. એને મળતી સ્કૉલરશિપ કુટુંબની ઝંખનાપાત્ર આવક પણ કદી કદી બની રહેતી. જેને લઈને રસિકને મળતા દૂધમાં, રસિકને મળતા ઘીમાં, એને એકલાને મળતી ચામાં અને એને એકલાને મળતાં વાસણમાં વધારો થતો. રસિકે પણ વિચારવા માંડ્યું કે તેના પ્રત્યેનું પક્ષપાતી વલણ એ તેનો હક્ક હતો. આવડત, અક્કલ અને હુશિયારીને સમાજે ખંડણ આપવી જ જોઈએ.

બાળકો જેમ જેમ મોટાં થાય તેમ તેમ આ ભેદભાવને સમજે અને તેનાથી નારાજ થાય એ સ્વાભાવિક છે. પરંતુ એ પરિસ્થિતિ અટકાવવા માતાપિતા બીજા બાળકોથી રસિકને છાનામાના પણ મહત્ત્વ આપતાં હતાં, અને આવા ભેદભાવને માટે પોતાની કમનસીબીને, પોતાની ગરીબીને દોષ આપતાં હતાં.

સારે નંબરે મેટ્રિકયુલેશનમાં પાસ થઈ રસિક કૉલેજમાં ગયો. કૉલેજમાં પણ તેનું ચિત્ત અભ્યાસમાં જ સંપૂર્ણપણે રોકાયું હતું, છતાં અભ્યાસમાં થોડો ભાગ પડાવનાર એક પ્રસંગ ઊભો થયો. માનવીને રસિકતા વરી હોય કે ન વરી હોય, માનવીને ઉદ્દેશો અને આદર્શોની ધૂન લાગી હોય કે ન લાગી હોય તો પણ જાતીય આકર્ષણનો સંચાર માનવીના હૃદયમાં થયા સિવાય રહેતો નથી; પછી તે માનવી સ્ત્રી હોય કે પુરુષ હોય, અભ્યાસ પ્રત્યે જ ધ્યાન રાખી રહેલા રસિકને લાગ્યું કે અભ્યાસ જેટલી જ આકર્ષક યુવતીઓ હોઈ શકે છે ! કોલેજમાં પણ રસિક ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થી તરીકે જાણતો થઈ ચૂક્યો હતો, અને હવે તો તે કૉલેજિયન બની ગયો હતો; એટલે માબાપ, ભાઈભાંડુ અને પડોશીઓમાં તેનું મહત્ત્વ વધી જાય એમાં