પૃષ્ઠ:Divadi.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬ : દીવડી
 

જ; પરંતુ એકેય નંબરે પસાર થાય તેમ ન હતું.

પ્રેમમાં નિષ્ફળ નીવડનારને આઘાત થવો જ જોઈએ. તોફાનીની નિષ્ફળતા તેને બીજા પ્રેમપ્રયોગમાં દોરે છે; એથી ઓછા તોફાનીની નિષ્ફળતા તેની પાસે કવિતાઓ લખાવે છે કે શ્વાસનિ:શ્વાસ લેવરાવે છે, અને નિર્માલ્યોની નિષ્ફળતા તેમને પથારીવશબનાવે છે. પરીક્ષામાં પ્રથમ આવનાર રસિક પ્રેમપરીક્ષામાં નિષ્ફળ નીવડતાં બે-ત્રણ-ચાર માસની વિરહ વેદના ભોગવી અંતે પથારીવશ બની ગયો. માબાપના મોંઘેરા પુત્રને અને પરીક્ષકોના મહામાનીતા પરીક્ષ્યને કોઈ પણ રીતિથી પ્રેમની ના પાડી શકાય જ કેમ ? એ પ્રશ્ન જેના હૃદયમાં ઊભો થાય છે તેને પછીથી દુનિયા બધી યે બાબતમાં સતત ના જ પાડ્યા કરે છે.

સુકાતો જતો રસિક માબાપની ચિંતાનો પણ વિષય બની ગયો. ભણવામાં ઓછું લક્ષ આપવા, તબિયતની વધારે કાળજી રાખવા આવા પુત્રને કહી શકાય તેટલું માબાપે કહ્યું, અને અંતે તે જ્યારે પથારીવશ થયો ત્યારે એકદમ ગભરાઈને માબાપે મોટામાં મોટા ડૉક્ટરોની સારવાર આપી. મોટા ડૉક્ટરોની સારવાર એટલે ભારેમાં ભારે ફી, તેમની મોટરકારની મુસાફરી, ગભરાવી નાખે એવી અને નાનામાં નાના કાગળ ઉપર મોંઘામાં મોંઘી દવાઓની યાદી ! મહા ડૉક્ટરની સારવાર આટલેથી બસ થતી નથી. ખોરાકમાં પણ તેઓ એવી નવી નવતેરી વસ્તુઓ બતાવે કે જે મોંઘી હોય, એટલું જ નહિ પણ મહા મુશ્કેલીએ મળે એવી હોય. માખણ અને મોસંબીનો રસ તો તેમની દવા જેટલાં જ મહત્ત્વનાં ગણાય; અને આવા મોંઘા આશાસ્પદ પુત્ર માટે માતાપિતાએ આ દવાઓ અને આ ખોરાક તેને આપવો જ રહે. રસિકને પણ લાગ્યું કે તેના પોતાના મહત્ત્વ પ્રમાણે જ મોટા ડૉક્ટરને બોલાવવા જોઈતા હતા. અને તેને માટે આવી મોંઘી દવાઓ, અને મોંઘા ખોરાક નિર્ણીત કરવાં જ જોઈતાં હતાં.