પૃષ્ઠ:Divadi.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માંદગી કે પાપ? : ૫૭
 

એક માસ થયો, બે માસ થયા, ત્રણ માસ થયા, છતાં લાડીલો રસિક હજી પૂરો સાજો થતો ન હતો. ડૉક્ટરને ત્યાં દવાઓની ખોટ હોતી નથી. પીવાની દવાથી ન પતે તો તેઓ ગળવાની દવા આપે, અને ગળવાની દવા પૂરી અસર ન કરે તે પહેલાં તેઓ ઇન્જેક્શન આપવાની સૂચના કરે. જૂનાં દર્દો એકબે ઈન્જેક્શને મટતાં; પણ નવાં દર્દો છ, બાર, વીશ કે અડતાળીશ ઇન્જેક્શનોનો ક્રમ માગી જ લે છે. અને રસિક જેવા મહાન પુત્ર માટે તે અડતાળીશ સોયોવાળી દવાની જ જરૂર હોય ને ?

ગરીબ માબાપે રસિકની બહુ જ કાળજીપૂર્વક દવા કરી. તેમણે પોતાનો ખોરાક ઘટાડ્યો; તેમણે પોતાનાં બીજા બાળકને ખોરાક ઘટાડ્યો : કપડાં પહેરવા-ઓઢવામાં પણ કરકસર કરી–ગરીબ ઘરમાં કાંઈ કર કસર થઈ શકતી હોય તો ! રસિકની તબિયત જેમ જેમ આછી સુધરતી ચાલી તેમ તેમ ડૉક્ટરે માબાપને વધારે કાળજી રાખવા તેની દેખતાં જ સૂચના આપી. રોગ ન થાય એના કરતાં પણ મટતો રોગ ફરી ઊથલો ન ખાય એ વાત વધારે મહત્ત્વની ગણાય; એટલે હજી પણ રસિકને મોંઘી પૌષ્ટિક દવા અને એથી યે મોંઘો પૌષ્ટિક ખોરાક ચાલુ રાખવાના હતા. ધીમે ધીમે રસિકની તબિયતમાં સુધારો દેખાવા લાગ્યો; પરંતુ તેના પિતાનો દેહ વધારે અને વધારે ઘસાતો ચાલ્યા. જે તરફ લક્ષ દોરવાની ઘરમાં કોઈને પણ જરૂર લાગી નહિ. મોંઘો કૉલેજિયન પુત્ર માંદો હોય ત્યાં બીજા સહુએ ભોગ આપ જ રહ્યો !

એક રાત્રે રસિક સૂતો હતો. માંદગીને ખૂબ આરામ જોઈએ. આખો દિવસ અને રાત્રી પડી રહેતા રસિકને નિદ્રા આવી ન હતી. પરંતુ નિદ્રા આવી હોય એ ઢબે તેને હવે સૂવાની ટેવ પડી હતી, જે નિદ્રાનો ભંગ કરવો એ બીજા બાળકો માટે ભયંકર ગુનો ગણાતો