પૃષ્ઠ:Divadi.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રેમની ચિતા : ૬૧
 

નાની સરખી વાત કહી જાઉં. તેમને હું કલ્પિત નામ આપું, ગૃહસ્થનું નામ ગિરીશ અને ગૃહિણીનું નામ ગાયત્રી. અકસ્માતનો વિજ્ઞાન સિદ્ધ નિયમ એવો છે કે આપણે ન ધાર્યું હોય તે બને પણ ખરું. કોઈ ગૃહસ્થ-ગૃહિણીનાં દાંપત્યનામ ગિરીશ-ગાયત્રી હોય તો તેઓ મને માફ કરશે. જેમની કથની હું કહું છું તેમનાં સાચાં નામ, કે વહાલમાં પાડેલાં આડનામ ગિરીશ-ગાયત્રી નથી. છતાં એ નામે હું તેમને ઓળખાવું છું.

ગિરીશ એક ડબલ ગ્રેજ્યુએટ છે અને ગાયત્રી ગ્રેજ્યુએટ સન્નારી છે. કદાચ ગાયત્રી પણ ગિરીશની માફક ડબલ ગ્રેજ્યુએટ થઈ શકી હોત;કદાચ ગિરીશ કરતાં પણ વધારે ઝળકતી તેની કારકિર્દી બની શકી હોત; પરંતુ બન્નેનાં લગ્ન થયાં, અને બન્નેને ઉત્સાહ હતો કે ગાયત્રી ડબલ ગ્રેજ્યુએટ બને; પરંતુ હવે હું જ્યારે જ્યારે પૂછું છું ત્યારે ગાયત્રી પોતે ડબલ ગ્રેજ્યુએટ કેમ ન બની એ પ્રશ્નનો શબ્દથી ઉત્તર ન આપતાં માત્ર મીઠું મીઠું હસે છે અને ગિરીશને પૂછું છું ત્યારે તે કહે છે કે 'પરણ્યા પછી ગાયત્રી આળસુ બની ગઈ છે. બધી સગવડ આપવા છતાં તે અભ્યાસનો લાભ લેતી જ નથી.'

બન્ને મારાં મિત્ર છે એમ કહું તો ચાલી શકે. ગિરીશ કૉલેજમાં મારાથી એકબે વર્ગ પાછળ હશે છતાંએક બાહોશ વિદ્યાર્થી તરીકે હું તેને ઓળખતો. પછી તો હું વૈદ્યકીય શિક્ષણની બાજુએ વળ્યો, અને પરીક્ષા પસાર કરી પરદેશનો ચળકાટ મેળવી મેં લોકોનો વ્યાધિ મટાડવાનો ધંધો શરૂ કર્યો. પોતાના શિક્ષણને ઓપ આપવા ગિરીશ અને ગાયત્રી પણ પરદેશ આવ્યાં હતાં. ત્યાં અમે એકબીજાને ફરી મળ્યાં અને અમારી અટકી ગયેલી મૈત્રી પાછી સંકળાઈ. ગિરીશ તો ઘરનો સધન હતો, સારું ભણ્યો હતો અને ગાયત્રી સાથે તેણે પ્રેમલગ્ન કર્યું હતું એટલે સંસારની દ્રષ્ટિએ તેને કંઈ મેળવવાપણું બાકી રહ્યું લાગતું નહિ. ધનિકોના કેટલાક ભણેલ