પૃષ્ઠ:Divadi.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨ : દીવડી
 

પુત્રોની માફક તેણે પણ સાહિત્ય, કલા અને સંસ્કારમાં રસ લીધો. એમાં મોળાશ દેખાવા લાગી એટલે તેણે રાજકીય સભાઓમાં ભાષણ સાંભળવા માંડ્યાં અને ભાષણ કરવા પણ માંડ્યાં. તે કેદખાને પણ જઈ આવ્યો અને જાતે સુખી હોવા છતાં દુઃખ વેઠતા આગેવાનની માનભરી પંક્તિમાં ઝડપથી તે બેસી પણ ગયો. એક દિવસ એ મારે ત્યાં આવ્યો અને મેં તેની સામાજિક તથા રાજકીય પ્રવૃત્તિઓ માટે અભિનંદન આપ્યા અને ગાયત્રીની ખબર પૂછી.

ગિરીશનું મુખ જરા સંકોચાયું. વૈદ્ય-ડૉક્ટરોને જ્યોતિષ મદદ કરે છે કે કેમ એ વિષે મતભેદ છે. હું હજી જ્યોતિષમાં માનતો નથી; પરંતુ એટલું તો હવે કહી શકું કે જ્યોતિષ નહિ તો સામુદ્રિક વિદ્યા ડૉક્ટરોને જરૂર આવડવી જોઈએ - એ વિદ્યા રીતસર ગુરુ પાસે ન શિખાય તો પણ ! દરદીના ચહેરા ઉપર વાતચીત પ્રસંગે કોઈ એવી લિપિ લખાયે જાય છે કે નાડ જોયા વગર અગર થરમોમિટર મૂક્યા સિવાય પણ દર્દીની પ્રાથમિક પકડ તો જરૂર આવી જાય.

ગિરીશના મુખ ઉપરથી જ હું જોઈ શક્યો કે તેને તેની પત્ની ગાયત્રી તરફથી પૂરતો સંતોષ મળતો નથી. જગતની દ્રષ્ટિએ સંપૂર્ણ સાધનસજ્જ માનવીને પણ અસંતુષ્ટ રહેવાનાં કારણો મળે છે ખરાં.

'કેમ ગિરીશભાઈ ! તમારી તબિયત સારી નથી કે ગાયત્રીબહેનની?' મેં પૂછ્યું.

'કાંઈ નહિ; કહેવા જેવી વાત જ નથી.' ગિરીશે મુખ ઉપરનો અસંતોષ વધારે સ્પષ્ટ કરી મને કહ્યું.

'મને નહિ તો તમે બીજા કોને કહેશો? ડૉક્ટર તરીકે અને મિત્ર તરીકે કોઈને પણ કહેવાનો તમને હક્ક હોય તો તે મને કહેવાનો હકક છે જ.' મેં વાત આગળ વધારવા ઉત્તેજન આપ્યું.

'આમ તો કાંઈ જ નથી...વારુ, કોઈ દિવસ વાત કરીશું.' ગિરીશે કહ્યું.

'જુઓ, તમે પણ બહુ કામવાળા, અને હું પણ ડૉક્ટર,