પૃષ્ઠ:Divadi.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪ : દીવડી
 

ખાતરી હોવી જોઈએ કે હું લાગણીહીન તો નથી જ. એ તો કહે છે કે તેનું શરીર તદ્દન સારું છે.'

'તો તમે તેમના તરફ જોઈતું ધ્યાન નહિ આપતા હો.'

'મારા જેવું ધ્યાન આપનાર પતિ કે પ્રેમી દુનિયામાં મળવો મુશ્કેલ છે, ડૉકટર ! મારી આંખ એને જ જુએ છે; મારું હૃદય એને જ ઝંખે છે. હું કામ કરતો હોઉં, ભાષણ આપતો હોઉં, અગર ગરીબની સેવા કરતો હોઉં તો પણ ગાયત્રીનું મુખ અને ગાયત્રીને દેહ મારી આંખ આગળ રમતાં જ હોય છે. એની હાજરીમાં હું ગાયત્રીને એકલી મૂકીને કંઈ બેસતો નથી; અને તેને રાજી રાખવા માટે સતત તેની આસપાસ મારી હાજરી રાખું છું. વધારે શું કહું ? પ્રેમોપચાર વગરની એક પણ ક્ષણ ગાયત્રી સાથે હું ગાળતો નથી. આનાથી વિશેષ, કહો, હું શું કરું ?'

મને, ડૉક્ટર તરીકે, માનવ પ્રેમીઓની એક ભયંકર ભૂલ એકાએક જડી આવી. ઘણી વાર પતિપત્ની – અને મોટે ભાગે પતિ - એમ જ માન્યા કરે છે કે પત્ની પાસે જેમ વધારે પોતાની હાજરી, પત્નીનો જેમ વધારેમાં વધારે સ્પર્શ, પત્ની સાથે જેમ સતત વાતચીત – અને કહેવા દો કે પત્નીસૌંદર્ય જેમ વધારે–સતત ઉપભોગ તેમ પરસ્પર વધારે પ્રેમ છે એમ મનાય; પરંતુ બીજા પરિચયોની માફક પતિપત્ની વચ્ચેનો આવો અતિ પરિચય લગ્નને અને લગ્નના આનંદને નિરર્થક કરી નાખવામાં બહુ મોટો ભાગ ભજવે છે. અતિપ્રેમ અને અતિશય પ્રેમોપચાર મોટે ભાગે ખાઉધરા માણસની સતત સંતુષ્ટ રહેવા માગતી સ્વાદવૃત્તિ જેવાં હોય છે. સતત ખોરાક એ આરોગ્યની નિશાની નથી; સતત પ્રેમોપચાર એ પ્રેમની નિશાની નથી. આપણા શાસ્ત્રે નિંદેલો એ 'ભોગ' છે. એમાંથી પ્રેમ નહિ પણ રોગ જ પરિણામ પામે. મેં ગિરીશને કહ્યું :

'ગાયત્રીબહેનના પ્રેમમાં ઉમળકો કેમ નથી તે હવે મને ડૉક્ટર તરીકે સમજાયું. એનો ઉપાય તમારા જ હાથમાં છે; કારણ એમાં