પૃષ્ઠ:Divadi.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રેમની ચિતા : ૬૫
 

દોષ રહેલો હોય તો તે તમારો જ છે.'

'મારો દોષ? આટઆટલો પ્રેમ કરવા છતાં ? આટઆટલો પ્રેમોપચાર કરવા? બધું કામકાજ મૂકીને ગાયત્રીમાં જ એકાગ્ર થવા છતાં ? નવાઈ જેવું !'

'એ નવાઈ જેવું જરા યે નથી. જેને તમે પત્ની પ્રેમ કહો છો એ તમારો પ્રેમ નહિ, પણ પ્રેમભ્રમ છે. તમે સાચા પ્રેમી ન કહેવાઓ; તમે માત્ર પ્રેમના સ્વાદિયા છો.'

'એટલે શું મારો પ્રેમ ગાયત્રીને ગમતો નહિ હોય એમ તમારું કહેવું છે ?'

'પ્રેમ તો જરૂર ગમે; પણ તમારો પ્રેમોપચાર તેમને જરૂર નહિ ગમતો હોય. પ્રેમ એ એક સહકાર્યની ભાવના છે. કાં તો પુરુષને કાં તો સ્ત્રીને ગમે એટલી જ એની હદ. અને મોટે ભાગે એ હદનું બેમાંથી એક તરફથી પણ ઉલ્લંધન થાય એટલે ભલભલાં પ્રેમીઓ પણ એકબીજાને અણગમતાં થઈ પડે. મારી એક કરીમર્યાદા પાળશો ?'

‘તે તમારે ગાંધીનું બ્રહ્મચર્ય સંબોધવું હશે. ખરું ને ડૉકટર ?'

'એ માત્રા બધાંયને અપાય એવી નથી, પરંતુ હું એક નાની સરખી શીખ આપું. ગાયત્રીબહેન પ્રત્યે પ્રત્યેક માસે એકબે અઠવાડિયાં પ્રેમ કે પ્રેમોપચાર બિલકુલ ન કરવાની તમે પ્રતિજ્ઞા લેશો?'

‘એથી શું ?'

'એથી એટલું જ કે જે ઉમળકો, જે ઉષ્મા તમે ગાયત્રીબહેનમાં શોધો છો તે તમને મળતાં થઈ જશે, અને તમારો ખડકે અથડાઈ તૂટી જતો ગૃહસ્થાશ્રમ એક સનાતન બગીચો બની જશે.'

અને ખરેખર છ માસ પછી મને ગિરીશ મળે ત્યારે તે બહુ જ પ્રફુલ્લ દેખાયો અને તેણે મને કહ્યું પણ ખરું કે 'ડૉક્ટર ! તમે બતાવેલો ઇલાજ ખરેખર રામબાણ નીવડ્યો.'