પૃષ્ઠ:Divadi.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮ : દીવડી
 

કરવાથી હિંમત પણ હતી; હજી પણ હિંમત છે. મને છોડશો એટલે પાછો હું એમાં જ પડીશ. જરા કહું એનું કારણ? મેં જૂઠ, ચોરી અને ઠગાઈ કેમ અને ક્યારથી કરવા માંડી તેનું કારણ?

મારી જિંદગીની મેં નોંધ રાખી છે– મહાપુરુષોની માફક. વચમાં વચમાં મને વિચાર આવે છે પણ ખરા કે હું મહાપુરુષ કેમ ન થાઉં? મહાપુરુષો પણ ચોર તથા ઠગ નથી હોતા એમ ન માનશો. માત્ર પકડાવામાંથી એ બચી ગયા હોય છે એટલું જ. હું પણ પકડાઈ ગયો ન હોત તો આજ મહાપુરુષ બની બેસી ગયો હોત. વગરપકડાયેલા કૈંક ચોર આજ ન્યાયાધીશની ખુરશીઓ શોભાવે છે. નામ આપું થોડાં ? હશે, જવા દઉં! મારે મારાં કામ સાથે કામ !

ચોરીની વૃત્તિ નાનપણથી જાગે છે અને નાનપણમાં તો એ ખૂબ ખીલી નીકળે છે. અમે ત્રણ મિત્રો હતા–બાલમિત્રો. એક હવેલી શોભાવતો ધનિક, બીજો મધ્યમ સ્થિતિના ઘરમાં રહેતો–ધનિકના અને પોતાનાં સુખસગવડની તુલના કરતો અસંતોષી જીવ અને ત્રીજો ગરીબ, જેને ધનિક તેમ જ મધ્યમ વર્ગ બન્નેની હાડછેડ સહન કરવી પડતી હતી. એ ત્રીજો તે હું. ધનિકને રમવા માટે મિત્રો તો જોઈએ જ ને? તે તેમને બાલ્યાવસ્થામાં મધ્યમ અને ગરીબ વર્ગમાંથી મળી આવે છે. પછીથી – જીવનનાં વર્ષો વધ્યા પછીથી ધનિકો પોતાના સરખા જ ધનિકોની મૈત્રી કરી લે છે એ જુદી વાત.

બાળપણમાં શું શું થાય છે તેની વાત કહી લઉં. ધનિક કાચની લખોટીએ રમે. મને અને મારા મધ્યમ સ્થિતિના મિત્રને કાચની લખોટીઓનું મન થાય એ સ્વાભાવિક ગણાય. ધનિક બાળકોની સારી વસ્તુઓ જોઈ કયા ગરીબને તે મેળવવાનું મન નહિ થતું હોય ? મારો મિત્ર તેને સૂચન કરતો અને હું કાચની લખોટીઓ ચોરી લાવી મારા મધ્યમ સ્થિતિના મિત્રને આપી તેની સાથે રમતો. એટલું જ નહિ; એ જ ચોરેલી લખોટીઓ જાણે અમારી ખરીદ