પૃષ્ઠ:Divadi.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારું અપરાધનિવેદન : ૬૯
 

કરેલી, માલિકીની હોય એમ અમે ધનિક મિત્રને બતાવતા અને તેની ઘમંડ ભરેલી ધનિકતાને જરા નીચે ઉતારતા હતા. નાની નાની ચીજો ચોરાય તેનું ભાન ધનિકપુત્રોને ભાગ્યે જ હોય છે. એટલે ચોરાતી લખોટીઓને સ્થાને તેને માટે તો બીજી આવતી. પરંતુ માનવીને હૈયે માલિકી એટલી જડાયલી છે કે અમારી પાસે કાચની સરસ લખોટીઓ નિહાળી તે કદી સૂચન પણ કરતો કે તેની લખોટીઓ પણ ચોરાઈ જાય છે.

આ સૂચનનો અમે સામનો જરૂર કરીએ. ‘હવેલીમાં રહે તેને જ કાચની લખોટીઓ રમવા મળતી હશે, એમ?' કહી અમે તેનું ધનિકપણું તેના માથામાં મારતા. લખોટીઓ ચોરનાર ભમરડા પણ ચોરે, ગીલીદંડા પણ ચોરે અને આગળ વધતાં બૅટબૉલ પણ ચોરે. મારી પાસે તો એ કશું ય મેળવવાનું સાધન ન હતું. મધ્યમવર્ગી મિત્ર પાસે ઓછું સાધન હોય, પણ એમાંથી બૅટબૉલ તો ન જ આવે. એટલે અમારે આવાં રમતનાં સાધનોની માલિકી કરવી હોય તો ચોરી કે ઝૂંટ-લૂટ સિવાય બીજો કર્યો માર્ગ અમને જડે ? અમે એ ધનિકના ભમરડા, રમકડાં, બૅટબૉલ ચોરી લેતા અને અમારી તથા ધનિકોની વચ્ચેનો ગાળો ઘટાડી દેતા. અમારાં માબાપ અમે ચોરી કરીએ એમ માનવા કદી તૈયાર ન જ હોય; અને આવાં તેમની જાણ બહાર અને તેમના ખર્ચ બહારનાં સાધનો ઘરમાં માબાપ જોતાં અને પૂછપરછ કરતાં ત્યારે કલ્પિત ભાઈબંધોનાં નામ અમે જરૂર ઉદારતાપૂર્વક આપી શકતા.

ચોરી કરવી એ ગુનો છે ! ચોરી કરવી એ અપ્રતિષ્ઠિત છે ! આવાં સૂત્રો તો અમે નાનપણથી સાંભળતા. એ સાચું ભલે હોય, તો ય અમારે જોઈતી ચીજ મેળવવી હોય તો ચોરી સિવાય બીજો ક્યો માર્ગ અમારે માટે ખુલ્લો હતો? ધનિકની બાઈસિકલ જોતાં અમને પણ બાઈસિકલ મેળવવાનું મન થયું; અને અમે કોઈની સાઇકલ તફડાવી તેના નંબર અળગા કરી સાઈકલને અમારી બનાવી