પૃષ્ઠ:Divadi.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨ : દીવડી
 

પ્રતિષ્ઠિત શાહુકારો મળી આવતા હોવાથી જોતજોતામાં મેં ત્રણેક હજારની રકમ તો ઊભી કરી. પરંતુ એટલી રકમ ઉપર અમે બને મિત્રો પરદેશ જઈ શકીએ એવી હિંમત થઈ શકી નહિં, અને નિરાશાના વાદળને દૂર કરતા પ્રકાશ સમી એક સુંદર સૂચના મારા મિત્રે મને કરી.

'તું કહે તો આ રકમમાંથી પ્રથમ હું જાઉં; ભણીને ત્રણ વર્ષે પાછો આવું. નોકરી તો મને સારી મળશે જ, એટલે એવડી રકમ હું પછી ઝડપથી ઊભી કરી શકીશ. એમાંથી તું જઈ ભણી આવજે.'

નિષ્ણાત મિત્રનું આ સૂચન મને ગમી ગયું. જ્યાં ત્યાં બેત્રણ વર્ષનો જ તફાવત ને? ભલે એ પહેલો જાય, એ આવી જરૂર મારે માટે પૈસા ઊભા કરી આપશે, વળી હું ગરીબ અને એ મધ્યમ વર્ગનો રહ્યો, એટલે પહેલી તક એ ભલે લે. આવા વિચારે કરી મેં મારી હિંમતથી મેળવેલી એ બધી રકમ તેના હાથમાં મૂકી દીધી અને તે વિલાયત જઈ બેરિસ્ટરીના અભ્યાસમાં પડ્યો.

અહીં મારાથી મિત્ર વગર રહેવાતું નહિ... અને જે ઢબે મેં મારા મિત્રને મોકલ્યો તે જ ઢબે હું ચારછ માસમાં કેમ ન જઈ શકું? સોનાના અછોડા પહેરનાર એક જ માનવી ન હોય; સોનાની બંગડીઓ પહેરનાર એક જ સ્ત્રી દુનિયામાં નથી. લગ્નગાળા તો વર્ષોવર્ષ–અરે, વર્ષમાં કેટલા યે માસ ચાલે.

મારા જ ધનિક મિત્રની બહેન પણ કૉલેજમાં ભણતી હતી; લૂગડાંઘરેણાંની બહુ શોખીન ! બહુ સંખ્યામાં ઘરેણાં ન પહેરે; પરંતુ જે થોડાં પહેરે તે ઘરેણાં બહુ જ કીમતી હોવાનાં. એની આંગળીએ નિત્ય વળગેલી હીરાની વીંટી, કીમતી નંગ જડિત સાડી ઉપરની ક્લિપ, તથા ગળે લટકતો મોતીનો હાર મારી વિલાયતની મુસાફરી માટે બસ થાય એમ હતું. ધનિક મિત્રના પરિચય ઓથે મેં તેની મૈત્રી કેળવવા માંડી. ચોરને કયો વેશ ભજવતાં ન આવડે ?