પૃષ્ઠ:Divadi.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારું અપરાધનિવેદન : ૭૩
 

એક દિવસ એના જ બગીચાના અંધકારમાં અમે વાત કરતાં બેઠાં હતાં. મારો ચપળ હાથ તેની બંગડીનો પીછો પકડી રહ્યો હતા. મને ખાતરી હતી કે તેને મારી હાથચાલાકીની જરા ય ખબર ન હતી, પરંતુ એક અકથ્ય કારણે તેને મારા નિષ્ણાત હાથનો જરાક સળવળાટ સમજાઈ ગયો.

'બંગડી જોવી છે? હમણાં જ કરાવી.' તેણે કહ્યું.

'બંગડી નહિ, બંગડીવાળો હાથ જોવો છે!' પકડાઈ જતાં હું પ્રેમી બની ગયો.

'એમ તો મેં કાનનાં નવાં કુંડળ કરાવ્યાં છે. તું તો કહી શકે તારે મારું મુખ જોવું છે !'

'એ તો હું જોઉં છું જ ! તારી આંખ મારી આંખને મળેલી ન હોય ત્યારે પણ !'

'બધું જાણું છું ! કેટલા યે દિવસથી તું મને ધારી ધારીને જોયા કરે છે તે !'

'માફી માગું ? કે આગળ વધું ?'

'જેવી તારામાં અક્કલ.'

'મારી અક્કલ એક જ વાંધો ઉઠાવે છે. હું ગરીબ છું, એટલે તવંગર યુવતીને ચાહી ન શકું; મારો એ અધિકાર તવંગર યુવતી ન સ્વીકારે.'

'તવંગર યુવતીને તેં પૂછી જોયું છે?'

'પૂછીને નિરાશ થવા કરતાં....'

'શા ઉપરથી જાણ્યું કે તું નિરાશ થઈશ?'

'એમ? ખરેખર, આ યુવતી તો મને ચાહતી હતી ! હું એને ખુલ્લી રીતે એની લાગણીનો લાભ લઈ ફાવે એમ લૂંટી શકત અને વિલાયત ચાલ્યો જાત; પરંતુ આ એક જ પ્રસંગ હતો જેમાં ચોરી કરવાનું મારું મન ચાલ્યું નહિ. મને ચાહતી છોકરીનાં ઘરેણાં હું ચોરું ? બહેતર છે કે હું વિલાયત ન જાઉં !