પૃષ્ઠ:Divadi.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારું અપરાધનિવેદન : ૭૫
 


અને તે હસ્યો. એ હાસ્યની છબી મારા હૃદયમાં સદા જડાઈ ચૂકી છે !

હતાશ બનેલે હું મારી પ્રિયતમા પાસે ગયો. એને મેં નિહાળી. એના પ્રેમમાં પડતાં હું સજ્જન બનતો ચાલ્યો હતો. એનું દર્શન મારે મન આશ્રયસ્થાન હતું, પરંતુ મારું આશ્રયસ્થાન પણ વીંખાઈ ગયું હતું . જેની સાથે લગ્ન કરી હું સુધરવા તથા મોટો માણસ થવાના અભિલાષ સેવી રહ્યો હતો તે કલ્પનાની પૂતળી મારી પાસે આવી તો ખરી, પણ તેણે મને કહ્યું :

'આપણું આ મિલન છેલ્લું છે. હવે ફરી મને મળવા ન આવીશ.'

'કેમ? શું થયું ?'

'તું એક ભયંકર ચોર છે... તેં તે દિવસે મારી બંગડી નિહાળી, તેં મારો હાથ જોવા નહિ, પણ બંગડી કાઢી લેવા.'

'તને કોણે કહ્યું?'

'ભાઈના જ..અરે તારા જ મિત્ર બૅરિસ્ટરે...'

'અને એ તારા પ્રેમને યોગ્ય તને લાગ્યો છે, ખરું?'

'અમારી વાત અમારા ઉપર છોડી દેજે. તને એમાં કાંઈ લાગેવળગે નહિ.'

હું તુર્ત ઊઠ્યો... અને ત્યારથી....મારો જૂનો ચોરીનો ધંધો કર્યે જાઉં છું. મને લાગે છે કે પ્રધાનથી માંડી પટાવાળા સુધી અને ન્યાયાધીશથી માંડી પુરવાર ગુનેગાર સુધી બધા જ ચોર છે એમ કહું તો આપ પુરાવા વગર ન જ માની શકો, પરંતુ પુરાવા વગર સાબિત ન થતી કૈંક ક્રિયાઓ ચોરી હોય છે એ મારો જાત અનુભવ છે. વળી જે મિત્રની મેં વાત કરી તે આપ જ હતા, એમ હું કદાચ કહું તે તો આપ તે હરગિજ માનવાના નથી; અને દુનિયા તો મને સાંભળે જ શાની ? આપ પ્રતિષ્ઠિત ન્યાયાધીશ છો; બહુ ધનિક, સુશીલ, રૂપવાન અને સમાજ આગેવાન યુવતીને પરણ્યા