પૃષ્ઠ:Divadi.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬ : દીવડી
 

છો; આપની છબી પણ આ અદાલતમાં મોટા સમારંભ સહ લટકવાની છે એ હું જાણું છું. પકડાય નહિ ત્યાં સુધી સહુ પ્રતિષ્ઠિત. હું પકડાયો છું.. .આ ગુનો મેં ન કર્યો હોત તોપણ સજાને પાત્ર ઘણા ગુના મેં કર્યા છે – જેમાં આપનો ભાગ હતો એમ હુ કહું તો કોઈ માનશે નહિ. આપ પણ પકડાઓ નહિ ત્યાં સુધી ભલે પ્રતિષ્ઠિત રહો ! હું પકડાયો છું; મને જરૂર સજા કરો....મારું કથન આપને ચમકાવી શકતું નથી એટલા સ્થિતપ્રજ્ઞ આપ બની શક્યા છો એથી હું બહુ રાજી થયો છું. કાં તો ગુનેગાર કે કાં યોગી જલકમલવત્ રહી શકે. ને જે સ્થાને આપ બિરાજો છો એ સ્થાન આપને યોગી તરીકે ઓળખાવી રહે એમાં આશ્ચર્ય નહિ; હું તો ગુનેગાર છું જ.

આટલું જ મારું નિવેદન. હવે આપ સજા ફરમાવી શકશો.