પૃષ્ઠ:Divadi.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વરાળની દુનિયા

સ્વપ્નનું રહસ્ય ઉકેલવા સહુ મથે છે; પરંતુ હજી તેનો શાસ્ત્રીય ઉકેલ આવ્યો જાણ્યો નથી. ઉશ્કેરાયેલું માનસ, રોગ, તીવ્ર ઈચ્છા, અનિયમિત રાત્રિભોજન, સુષુપ્ત માનસમાં સંગ્રહાયેલી વાસના: એવાં એવાં કારણો દ્વારા સ્વપ્નશોધનનું કાર્ય આગળ વધ્યું છે એ ખરું, શકુન, અપશકુન સાથે પણ સ્વપ્નને સાંકળી લેવાય છે, અને સ્વપ્નનો ઉકેલ આપનારા વિદ્વાનો પણ હતા એમ જૂનો જમાનો કહે છે. અધ્યાત્મ – આત્મઉડ્ડયન – સાથે પણ સ્વપ્નને સંબંધ હોય એમ કેટલાક વર્તમાન આત્મજ્ઞાની – વિજ્ઞાનીઓ પણ કહે છે. સ્પષ્ટ સમજ પડે એવો ઉકેલ હજી મળી શકતો નથી.

આપણે જેને જાગૃતાવસ્થામાં જોઈએ છીએ એવી જ બીજી કોઈ સૃષ્ટિ હશે ખરી? નિદ્રાનો અભેદ્ય પડદો પારદર્શક બની જાય અને આપણા સરખી જ – ભૂત કે ભાવિ – સૃષ્ટિમાં ઊતરી પડવાનાં પગથિયાં મળી જાય એવું કોઈ વણઓળખ્યું અંગ સ્વપ્નમાં ખૂલી જતું હોય તો ? અટકળ, કલ્પના, ફાંટા તરીકે એ સંભાવનાને ઓળખી શકાય. એ સંભાવના સાબિત ત્યારે જ થઈ શકે કે જ્યારે આપણે