પૃષ્ઠ:Divadi.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮ : દીવડી
 

એ અંગને ઓળખી બતાવી આપણા અંકુશમાં લાવી શકીએ. ત્યાં સુધી બધી અટકળો માફક એ ય એક માનસિક રમત જ બની રહે.

જે હોય તે. આપણી સ્વપ્નસૃષ્ટિ વધારે ઊંડો અભ્યાસ માગે છે અને કેટલાંક ચોંકાવનારાં સ્વપ્ન એ અભ્યાસ ત્વરાથી માગે છે. કારણ ચોંકાવનારાં સ્વપ્ન કોઈ કોઈ વાર સત્ય પણ બની રહે છે. મેં હમણાં જ એક એવું દ્રશ્ય નિહાળ્યું કે જે સ્વપ્ન હશે કે સત્ય તે હું નકકી કરી શક્યો નથી.

ઊજળી નામની એક નાનકડી નદીના પ્રવાહ અંગે બે સામસામાં આવેલાં ગામ વચ્ચે ઝઘડો ચાલતો હતો. એ પતાવવા મારે એક ગામે મુકામ રાખવો પડ્યો. નદીની ભેખડ ઉપર ખુલ્લી જગામાં એક શિવાલય સાથે બાંધેલી જીર્ણ ધર્મશાળા હતી અને એની જ બાજુમાં ફકીરનો એક તકિયો હતો, જેની નજીકની ઝૂંપડીમાં એક વૃદ્ધ ફકીર પડી રહેતો હતો. વૃક્ષોની સરસ ઘટા પણ એ બંને ધર્મસ્થાનોને ઢાંકી રહી હતી. એ વૃક્ષધટામાં મારો તંબૂ નાખી હું દિવસભર ગામલોકોના ઝઘડાની તપાસ ચલાવતો અને નદીનાં પાણી, રેતી, ભાઠાં વગેરે બધું માપતો હતો. એક રાત્રે થાકીને હું તંબૂમાં આવ્યો અને અત્યંત ગરમી લાગવાથી મેં મારો ખાટલો તંબૂની બહાર ખેંચી કાઢ્યો. પાસે થઈને પસાર થતા ફકીરે મને કહ્યું :

'સાહેબ તંબૂમાં સૂઈ રહો તો કેવું?'

'કેમ એમ ? તાપ બહુ લાગે છે.' મેં કહ્યું.

'નદીકિનારો છે, હમણાં ઠંડક થઈ જશે.' ફકીરે કહ્યું.

‘જન-જનાવરનો ભય તો નથી ને?' મેં પૂછ્યું.

'ના, ના...એવું કાંઈ નથી... પણ ખુલી જગા છે...અને રાતવરત બહાર ન સૂવું...' એટલું કહી ફકીર ત્યાંથી પોતાની ઝૂંપડીમાં ચાલ્યો ગયો.