પૃષ્ઠ:Divadi.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦ : દીવડી
 

જમીનનો ઝગડો હતો એ વાત ખરી; પરંતુ નદીનો શોખીન વૃદ્ધ નદીને પોકારે એથી કાંઈ ઝગડાનો નિર્ણય ન જ આવી શકે !

દોડતો દોડતો વૃદ્ધ મારા ખાટલા નજીક આવી પહોંચ્યો. મરવાને આળસે જીવતા આ વૃદ્ધમાં દોડવાની શક્તિ ક્યાંથી આવી હશે એ મારાથી સમજાયું નહિ. એણે સહેજ અટકીને ફરી બૂમ પાડી :

'ઊજળી !'

વૃદ્ધનો સાદ જાણે કોઈ ગુફામાંથી આવતો હોય એવો અલૌકિક લાગ્યો! જીવતા માણસની આવી બૂમ ન હોય !

વૃદ્ધે મારી તરફ ફરીને જોયું અને આંખની પાંપણ પણ હલાવ્યા વગર મને પૂછ્યું :

'ઊજળી ક્યાં ગઈ?’

'નદીની વાત કરો છો? આ ભેખડની નીચે...'

'નદી નહિ, મારી ઊજળીની હું વાત કરું છું... આ રહી ! ..પેલી જાય...! ડાળી પાછળ સંતાઈ છે ! હવે...પકડાઈ...ખસવા નહિ દઉં...' કહી પેલો વૃદ્ધ ધસવા મથ્યો; પરંતુ એના પગ અમળાઈ પડ્યા અને એ નીચે બેસી ગયો. એણે દર્શાવેલી બાજુએ મેં નજર કરી તો ડાળી પાછળ કશું મારા જોવામાં આવ્યું નહિ.

'ત્યાં તો કોઈ જ નથી..કશું નથી...' મેં કહ્યું.

'જુઓ, જુઓ !..એની જ આંખો તગતગ થાય છે...' વૃદ્ધે કહ્યું, અને તે ઊભો થવા મંથન કરવા લાગ્યો.

'એ તો...તારા તગતગતા લાગે છે. મેં એ બાજુએ જોઈને કહ્યું.

'ત્યારે પેલું મુખ કેવું દેખાય છે? એ જ...ઊજળીનું મુખ. હવે એ ન ભાગે.'

'એ તો ચંદ્ર દેખાય છે, ભાઈ ! એ બાજુએ કોઈ માણસ છે જ નહિ.'

'તમારી ભૂલ થાય છે...એ જ ઊજળી ! એનાં જ કપડાં !'