પૃષ્ઠ:Divadi.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વરાળની દુનિયા : ૮૧
 

એનો જ આકાર ! એનું જ મુખ ! જો જો... હાથ લાગી છે તે પાછી ભાગી ન જાય !'

હું જરા હસ્યો. વૃદ્ધને કાં તો સ્વપ્ન આવ્યું હશે અગર તે ઘેલો થયો હશે એમ મને ખાતરી થઈ. સ્વપ્ન અને ઘેલછા બન્ને એવી સ્થિતિ કહેવાય કે જેમાં દલીલને કશો અવકાશ હોય જ નહિ.

છતાં.. અરે... મને પણ કાંઈ માનવઆકૃતિ સરખું એ ડાળી પાછળ દેખાયું શું ? રાત્રીનો અંધકાર જ માત્ર નહિ; પરંતુ તેનું અજવાળું પણ અનેકાનેક ભ્રમ ઉપજાવી રહે છે ! વરાળનું માનવી ? આભલાંનું માનવી ? સ્ત્રીનો આકાર ?

વૃદ્ધના પગમાં નવું ચેતન આવ્યું. તેના દુર્બળ દેહને લઈ તેના દુર્બળ પગ દોડ્યા. મને લાગ્યું. કે ભાન વગર દોડતો આ વૃદ્ધ કાં તો ભેખડ નીચે ગબડી પડશે અગર નીચી આવેલી ડાળીમાં અથડાઈ પડશે. તેને રોકવા હું પાછળ દોડ્યો. અમારી બંનેની વચ્ચે કાંઈ વધારે છેટું ન હતું. છતાં હું તેને પકડી શક્યો નહિ. દોડતો વૃદ્ધ ખરેખર એક નીચી ડાળી જોડે અથડાયો, પરંતુ અથડાતાં બરાબર તેના મુખમાંથી એક હર્ષનાદ નીકળ્યો :

'એ જ ઊજળી ! પકડાઈ ! બસ...' કહી વૃદ્ધ ડાળીને હાથ ભેરવી રહ્યો. તેણે મારી સામે જોયું, તેના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ રહી મેં નિહાળી. અને એકાએક ડાળીએ વળગેલા તેના બન્ને હાથ છૂટી ગયા અને વૃદ્ધનો દેહ ધબ અવાજ સાથે જમીન ઉપર પડ્યો. હુ પાસે જઈને જોઉં છું તો વૃદ્ધના દેહમાંથી તેનો પ્રાણ ઊડી ગયો લાગ્યું. મેં તેને સહેજ હલાવ્યો; તેની આંખ ઉઘાડી જોઈ; જીવ દેહમાં ન હતો. છતાં તેના મુખ ઉપર વ્યાપેલી પ્રસન્નતાની એક રેખા પણ અદૃશ્ય થયેલી મેં ન જોઈ. અને એક વૃદ્ધ મુખ ઉપર આટલી પ્રસન્નતા પ્રગટી શકે એ મેં અહીં જ જોયું.

પરંતુ હવે ? આ અજાણ્યો વૃદ્ધ મારા દેખતાં જ ઊજળીને શોધતો – પુકારતો મારા તંબૂની નજીક જ મૃત્યુ પામ્યો ! પોલીસને