પૃષ્ઠ:Divadi.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીવડી


પૈસાદાર કુટુંબનાં સંતાનોની તબિયત બગડે તો તેમને માટે વૈદ્ય, ડૉકટર, દવા અને હવાની પૂર્ણ સગવડ થઈ શકે છે. રસિક એક ધનિક કુટુંબનો નબીરો હતા. 'નબીરો' શબ્દે ગુજરાતી ભાષામાં માનવંતપણું ધારણ કરવા માંડ્યું છે. ગરીબ, શૂદ્ર કુટુંબનો પુત્ર 'નબીરો' મનાતો નથી – કહેવાતો નથી. એ ધનિક કુટુંબનાં નબીરાએ ભાવિ માટે ભવ્ય આશાઓ ઉપજાવી હતી. એ ચબરાક હતો; સારું ભણતો અને બુદ્ધિચાપલ્ય પણ એવું દાખવતો કે વડીલોની મિલકત એ બમણી તો બનાવશે જ એવી પિતાને ખાતરી પણ થઈ ચૂકી હતી.

હવે, કદી કદી, ધનિક પુત્રો સારું ભણે છે; એટલું જ નહિ તેમને કલા તથા સાહિત્યનો પણ શોખ વળગતો જાય છે. ભણતાં ભણતાં, આગળ વધતાં રસિકના હૃદયમાં સાહિત્ય તથા કલાનો શોખ જાગૃત થયો. સાહિત્ય અને કલાનો શોખ એટલે સૌંદર્યનો શોખ અને પુરુષદ્રષ્ટિને તો આદિયુગથી સ્ત્રીમાં સકલ સૌંદર્ય સંક્રાન્ત થતું લાગે છે ! રસિકે પ્રેમની કવિતા અને વિયોગની વાર્તાઓ પણ લખવા માંડી.