પૃષ્ઠ:Divadi.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨ : દીવડી
 

ખબર આપવાની ! પરંતુ તેની એ પહેલાં હું મારી સાથેનાં માણસોને પણ આ બનાવથી વાકેફ કરી લઉં એમ વિચારી મેં સહેજ પાછળ જોયું. ફકીરના તકિયા પાસે એક કૂકડો પ્રભાતનું આગમન પોકારી રહ્યો અને ફકીર તેની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો. મને એમ થયું કે આ ફકીરને જ પ્રથમ બનેલી બિના સંભળાવું. એટલે પગ પાછા ફેરવતાં પહેલાં મેં મૃત દેહને સહેજ જોઈ લેવાનો વિચાર કર્યો. પરંતુ મારા પરમ આશ્ચર્ય વચ્ચે મેં જોયું કે ત્યાં એ વૃદ્ધ પુરુષનું શબ તો હતું જ નહિ !

અરે ! મેં અબઘડી મારી સગી આંખે જીવંત વૃદ્ધને અને વૃદ્ધના શબને નિહાળ્યાં હતાં ! સહેજ પાછળ જોયું એટલામાં એ અદ્રશ્ય કેમ થાય ? કશો ખખડાટ પણ થયો ન હતો. કોઈ માનવી કે જાનવર શબને ખેંચી જાય તો જરૂર મને ખબર પડ્યા વગર રહે જ નહિ. હું શબની પાસે જ, લગભગ શબને અડકીને જ ઊભો હતો. પછી આ શું થયું ? વૃદ્ધનું મૃત્યુ ખરું ? કે મૃત દેહને હું એક હતો. પછી આ શું થયું ? વૃદ્ધનું મૃત્યુ ખરું? કે મૃત દેહને હું એક જ ક્ષણમાં જોતો બંધ થઈ ગયો એ ખરું ?

મારો તંબૂ પણ મને દેખાતો હતો. મારો ખાટલો ખાલી પડ્યો હતો એટલે હું જ જાતે ખાટલો છોડી અહીં સુધી દોડી આવ્યો હતો એ વાત પણ સાચી. ત્યારે ? હું સ્વપ્નમાં છું? જાગૃત છું? કે કોઈ પ્રેતસૃષ્ટિમાં ફરી રહ્યો છું ? મને એવી ગૂંચવણ ઊભી થઈ કે હું પાંચેક ક્ષણ સ્થિર ઊભો રહ્યો. ફરી મેં શબની બાજુએ જોયું. શબ હતું જ નહિ. ઝાડની ડાળીએ મેં હાથ અડાડી જોયો. ડાળીની પાછળ મોટી ભેખડ હતી અને તેની નીચે ઊજળી નદીનો પ્રવાહ વહી રહ્યો હતો. ચન્દ્ર પણ દેખાતો હતો. તારા પણ દેખાતા હતા, છતાં પ્રભાતનું સાન્નિધ્ય સૂચવતો કૂકડાનો ધ્વનિ મેં ફરી સાંભળ્યો.