પૃષ્ઠ:Divadi.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વરાળની દુનિયા : ૮૩
 

હું ફકીર ભણી ગયો. ફકીર પણ મારી સામે જ આવતો લાગ્યો અને લગભગ મારા ખાટલા પાસે અમે બંને ભેગા થઈ ગયા.

'આદાબ અર્ઝ, સાહેબ ! વહેલા ઊઠવાની આપને ટેવ લાગે છે.' ફકીરે વાત શરૂ કરી.

‘એવી ટેવ તો નથી, પણ આજ વહેલા ઊઠી જવાયું.' મેં જવાબ આપ્યો.

'ઊંઘ સારી આવે તો વહેલાં ઊઠી પણ જવાય.'

'ઊંઘ સારી આવી એ સાચું... પણ...કાંઈ સ્વપ્ન આવ્યું કે અજબ દ્રશ્ય જોયું તેથી હું જાગી ગયો.'

‘એમ ? ખૂદા ખેર કરે...'

‘અરે, જાગી ગયો એટલું જ નહિ, ઊંઘમાં જ ચાલતો ચાલતો અહીં સુધી આવી લાગ્યો ! જરા આગળ વધ્યો હોત તો ભેખડ નીચે હું ગબડી પડ્યો હોત !' મેં મારી પરિસ્થિતિ વર્ણવી.

'એવું હજી કોઈને બન્યું નથી, સાહેબ ! એક સંત પુરુષની સવારી કદી કદી નીકળે છે. પણ બસ ! બીજું કાંઈ નહિ. ઈજા જરા ય થાય નહિ. સહેજ ઝબકારો થાય અને સવારી ગુમ.' ફકીરે કહ્યું.

'શાની સવારી ? કોની સવારી ?' ફકીરની ભાષા મને સમજાઈ નહિ એટલે મેં પૂછ્યું. ભૂતપ્રેત અને માનવસૃષ્ટિથી ન પકડાતાં રાત્રિદ્રશ્યોને મુસલમાનો 'સવારી' ના માનવંત નામે ઓળખતા હતા, એમ મેં પહેલી જ વાર જાણ્યું.

‘માટે જ હું આપને અહીં ખુલ્લામાં સૂવાની ના પાડતો હતો.' ફકીરે કહ્યું.

'ખેર ! હું માનતો ન હતો... હજી પણ માનતો નથી... છતાં આ સવારી અજબ તો ખરી, સાંઈ ! એ બુઢ્ઢો કોણ? ઊજળી કોણ? આવું કાંઈ બન્યું છે ખરું?' મેં પૂછ્યું.