પૃષ્ઠ:Divadi.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વરાળની દુનિયા : ૮૫
 

પિતાએ કહી જોયું; પરંતુ પુત્રને દૂર જ રહેવું યોગ્ય લાગ્યું. પુત્રે માતાપિતાને એક વાર એવી પણ સૂચના કરી કે તેઓ તેના મઠમાં આવીને રહે; પરંતુ નદીનો કિનારો અને મહાદેવનું સ્થાન તેમના જીવન સાથે જડાઈ ચૂક્યાં હતાં; તે મૂકીને એ વૃદ્ધ બનતાં નરનારી ત્યાંથી ખસી શક્યાં નહિ.

વૃદ્ધ પંચમગીરથી બહુ હરીફરી શકાતુ નહિ એટલે ઊજળીને જ દેવસેવા, ખેતી અને ભિક્ષાનું કાર્ય કરવું પડતું. વગરબોલ્યે એ વૃધ્ધા પોતાનું અને પોતાના પતિનું ગુજરાન કર્યે જતી હતી. પરંતુ એ વૃદ્ધાવસ્થામાં જ પંચમગીર અને ઊજળી એકબીજાની સાચી નિકટતા સેવતાં બની ગયાં. પંચમને એક ઘડી પણ ઊજળી વગર ચાલતું નહિ. ગામમાં પંચભાગ ઉઘરાવવા ઊજળી ગઈ હોય એટલે ધર્મશાળાને દરવાજે પંચમ આંટા ખાતો જ હોય અને ઊજળી થાકીપાકીને આવે એટલે પંચમનો પ્રશ્ન તેને સાંભળવાનો જ હોય:

'કેમ આટલી બધી વાર થઈ ?'

'તે આ ઉંમરે હવે મને કોઈ ઊંચકી જવાનું તો નથી ને ? ચાર ઘેર ખબર પણ પૂછવી પડે ને ?' હવે ઊજળી આવો જવાબ આપતી અને પંચમ હસીને તે સાંભળી પણ લેતો.

કદી પંખી ટોવા તે ખેતરે જતી ત્યારે પણ પંચમનો એને એ જ પ્રશ્ન :

'આટલી વારે આવી ?'

‘અહીં તમારી સામે બેસી રહું અને અનાજ ચકલાં ખાઈ જાય ત્યારે ?'

કોઈવાર પંચમને એમ જ લાગતું કે શિવમંદિરમાં ઊજળી બહુ લાંબી આરતી કરે છે.

'આટલી બધી વાર સુધી આરતી હોય?' પંચમ પૂછતો.

'ભગવાનની પૂજામાં જે વખત ગયો તે ખરો. તમારે કાંઈ કામ હતું ?' ઊજળી જવાબ આપતી.