પૃષ્ઠ:Divadi.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વરાળની દુનિયા : ૮૯
 


ધર્મશાળા હિંદુઓની હોવા છતાં ફકીર પંચમને સુવાડી પાસે જ સૂતો. હિંદુભાવભર્યા ભજનો મુસલમાનો આજ પણ ગાય છે. ત્યારે હિંદુ-મુસ્લિમ પ્રજાના ધર્મભેદ આજના રાજદ્વારી ભેદ સરખા વિષમય ન હતા, ફકીરે થોડાં ગીત પણ ગાયાં, ભજનો પણ ગાયાં, વાતો કરી અને અંતે તેને લાગ્યું કે પંચમ જંપી ગયો છે એટલે ફકીર પણ તેની પાસે જ સુઈ ગયો. ફકીરની આંખ મળી ગઈ.

પરંતુ ચોથે પહોરે રાત્રે લગભગ નમાજ પઢવાને સમયે ફકીર એક બાંગ સાંભળી જાગી ગયો. એ બાંગ ઊજળીના નામની હતી અને તે બહારની વૃક્ષઘટામાંથી આવતી હતી. ફકીરે જોયું કે પંચમ પાસે સૂતેલો ન હતો. એકદમ તે બહાર નીકળ્યો, અને નદી તરફ દોડતા પંચમને એણે પકડ્યો. પંચમના વૃદ્ધ દેહમાં અપૂર્વ બળ આવ્યું.

ફકીરનો હાથ છોડાવી પંચમે પૂછ્યું :

'ઊછળી ક્યાં ગઈ ?'

'બાવાજી ! એ તો ભેખડ નીચે !' ફકીર જવાબ આપ્યો.

ઊજળી નદી અને ઊજળી સ્ત્રી બન્નેને માટે એ સત્ય કથન હતું. !

'મારી ઊજળીની હું વાત કરું છું...આ રહી... પેલી જાય ..ડાબી પાછળ... જુઓ, એની જ આંખો તગતગ થાય છે.' અમળાઈ જતા પગને ન ગણકારી અશક્ત દેહને અજબ વેગ આપી વૃદ્ધ ડાળી ભણી દોડ્યો.

'અરે, એ તો તારા તગતગે છે...' ફકીરે પાછળ દોટી કહ્યું.

'પેલું મુખ દેખાય..ઊજળીનું...'

'એ તો ચંદ્ર છે...'

'એ જ ઊજળી ! એનાં ઊડતાં વસ્ત્ર હું નહિ તો બીજું કોણ ઓળખે?' કહી વૃદ્ધ આગળ ધસ્યો. ફકીરને પણ એક ક્ષણ માટે ભ્રમ થયો કે ઊજળીનો દેહ ત્યાં આકાર ધારણ કરી રહ્યો છે. ઊજળીને બૂમ પાડી પંચમે બાથ ભીડી. પંચમે જાણ્યું કે ઊજળી તેને મળી. એના આત્માએ પરમ આનંદ અનુભવ્યો; પરંતુ ફકીરે