પૃષ્ઠ:Divadi.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વરાળની દુનિયા : ૯૧
 

પાણી ઊંચે ચઢી આ ડાળને ભીંજવશે એટલે સવારી અદ્રશ્ય !'

'કેમ એમ ?'

'સાચું ખોટું અલ્લા જાણે... પણ લોકકથન છે કે...' ફકીરને મારી આંખમાં અશ્રદ્ધા દેખાઈ એટલે તે અટક્યો. મેં તેને પૂરી હકીક્ત કહેવા આગ્રહ કર્યો ત્યારે તેણે લોકોક્તિ કહી સંભળાવી કે પંચમગીર ઊજળી નદીને કિનારે ફેંકાયેલું એક અનાથ બાળક હતો. ઊજળી નદીએ મનુષ્યદેહ ધારણ કરી એ અનાથ બાળકને દીર્ઘજીવી બનાવ્યો. ડાળને અડકી ઊજળી એને હવે પચીસ વર્ષે મુક્તિ આપવાની છે.

* * *

એ જ સ્થળે બીજે વર્ષે મેં મારા તંબૂ તાણ્યા અને બહાર ખાટલામાં જ હું સૂઈ રહ્યો. મેં ફરી એ દ્રશ્ય જોયું જ નહિ. ફકીરે કહ્યું કે ઊજળીનાં પાણી ડાળને નવડાવી ઓસરી ગયા ત્યારથી કશો ચમત્કાર દેખાતો નથી.

વૃદ્ધાવસ્થા સુધી વિકસતો પ્રેમ અને જાગૃત સૃષ્ટિને છંછેડતી કોઈ અગમ્ય સૃષ્ટિ એ બેના વિચાર મને આવ્યા કરે છે. પ્રયોગ કરી હવે સાબિતી અપાય એવી આ વાત રહી નથી. હું પણ શાસ્ત્રીય રીતે આ આખા પ્રસંગને સમજી–સમજાવી શકતો નથી. છતાં આટલી નોંધ તો મારે રાખવી જ રહી ! ભવિષ્ય એને ઉકેલે તો !