પૃષ્ઠ:Divasvapna.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૯૦]


મેં કહ્યુંઃ “ના જી. આ છેલ્લા ત્રણ માસ થયાં દર માસે આ પ્રવૃત્તિ ચાલે છે. હા, આ છમાસિક પરીક્ષામાં મૂકયું છે ખરું, પણ તે પરીક્ષા માટે તૈયાર નથી કર્યું.”

ઉપરી સાહેબે ખુશ થતાં થતાં ડોકું હલાવ્યું ને કહ્યુંઃ “ભારે અધરું કામ છે.” મને ઉદ્દેશીને કહે: “તમે અજબ કામ કરી બતાવો છો. છ માસમાં કયાં સુધી ગયા છો !”

હેડમાસ્તર હળવેથી બોલ્યા: “હવે ગણિત, ભૂગોળ અને ઈતિહાસની પરીક્ષા કયારે છે? અમે બપોરે હાજર રહીએ કે ?”

કદાચ એવું બોલી મને ટકોર કરવી હશે ! મેં હજી ગણિત અને ભૂગોળમાં મીંડું કર્યું હતું તેની હેડમાસ્તરને ખબર હશે. મેં કહ્યું: “ભૂગોળ અને ગણિતમાં મારાથી કશું બન્યું નથી; પણ બાર માસે મારે તે કામ પણ કરી બતાવવાનું તો છે જ, વળી ઇતિહાસમાં કામ થયું છે પણ તે બતાવવા જેવું નથી થયું.”

હેડમાસ્તર: “એાહો ! ત્યારે તો મોટા મોટા વેશો જ રહી ગયા કહો ને !”

ઉપરી સાહેબ: “હેડમાસ્તર સાહેબ, એ તમારી દૃષ્ટિએ: આ ભાઈની દૃષ્ટિએ નહિ, તમારે તો ઇતિહાસ ને ભૂગોળ, ગણિત ને પલાખાં એ જ મોટું ભણતર !”

ઉપરી સાહેબ જરા મજામાં હતા એટલે હેડમાસ્તરે સામેથી સંભળાવી: “પણ સાહેબ, આપની દૃષ્ટિએ પણ એમ જ છે. આપ પણ એમાં જ પરિણામ માગો છો !”

સૌ જરા મજાની વાતો કરતા ઊઠ્યા. મારા વર્ગની છમાસિક પરીક્ષા પૂરી થઈ જતાં જતાં ઉપરી સાહેબે કહ્યું: તમારું પરીક્ષાપત્રક?”

મેં કહ્યું: “એ તો તૈયાર કર્યું જ નથી.”

ઉપરી સાહેબઃ “ત્યારે પરીક્ષામાંથી તમારો વર્ગ બાતલ.”