પૃષ્ઠ:Divasvapna.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


શોધે. આ ભૂખમરામાં ન આવે; આ ખુશામતખાતામાં ન આવે; આ એદીખાનામાં ન આવે.”

પછી તો કેટલી યે વાતો ચાલી. મેં બધા શિક્ષકોમાં ઉત્સાહ જોયો. મને લાગ્યું કે જૂની ઘરેડની ગુલામીના મૂળમાં ચિનગારી લાગી ગઈ છે.



: ૨ :

હું હવે ભૂગોળ શીખવવાનો વિચાર કરવા લાગ્યો. ભૂગોળનું પાઠ્યપુસ્તક જોઈ તેને નિરાશાથી બાજુએ મૂક્યું. અભ્યાસક્રમ વાંચીને મનને માઠું લાગ્યું. શા માટે છોકરાઓને આ નદીઓ અને પર્વતનાં નામો યાદ કરાવવાં ! મને ક્યાં એ બધું યાદ છે ! ગઈ કાલે વિદ્યાધિકારી સાહેબ પણ નકશામાં જોઈ ઑસ્ટ્રેલિયાનો રસ્તો શોધતા હતા. નાનપણમાં મોઢે કરેલી ભૂગોળ કોને યાદ રહે છે ! મને થયું: “આ ભૂગોળ ન જ ભણાવીએ તો કેમ ! મને પોતાને ખરી ભૂગેળ આફ્રિકા ગયો ત્યારે જ સમજાઈ. ત્યાર પછીથી ભૌગોલિક આંખ ઉઘડી. આજે મને ભૂગોળમાં અત્યંત રસ છે. મને ભૂગોળ અત્યંત ઉપયોગી લાગે છે. પણ આ વિદ્યાર્થીએાને આ બધું અત્યારથી શા માટે સમજાવવું ને ભણાવવું ! આ અભ્યાસક્રમ પ્રમાણે તો નહિ જ ચલાય. આ પાઠ્યપુસ્તક જોઈ હસવું આવે છે. વિદ્યાધિકારીને મળું ? મારી પોતાની રીતે વિદ્યાર્થીઓમાં ભૌગોલિક વૃત્તિ અને દૃષ્ટિ ઉત્પન્ન કરવાની રજા લઉં ?”

હું વિદ્યાધિકારી પાસે ગયો.

સાહેબે પૂછયું : “કેમ ?”

મે કહ્યું: “ભૂગોળનો વિષય અભ્યાસક્રમમાંથી છોડી દઈએ તો ?”

“એ તો ન જ બને. અભ્યાસમાં ભૂગોળ અત્યંત મહત્ત્વનો વિષય છે. ઇતિહાસ કરતાં પણ આજે ભૂગોળ કામની છે. આપણા