પૃષ્ઠ:Divasvapna.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૯૭]


હું જરા હસ્યો અને આગળ બેાલ્યોઃ “પરીક્ષા શિક્ષકોને હાથે લેવાવી જોઈએ. તેઓ જ વિદ્યાર્થીઓની શક્તિ વધારે જાણી શકે છે, અશક્તિનાં કારણો જાણી શકે છે, અને ઉપલા ધોરણમાં ચાલશે કે નહિ તે કહી શકે છે. હા, ડેપ્યુટીની જરૂર છે, પણ તે પરીક્ષા કેમ લેવાય તે બાબતની પરીક્ષા લેવા માટે છે – શિક્ષકને બરાબર પરીક્ષા લેતાં આવડે છે કે નહિ તેની પરીક્ષા લેવા માટે જ છે.”

વિદ્યાધિકારી: “આ વળી નવો વિચાર.”

મેં કહ્યું: “જી હા, લાગે છે તો એમ.”

પરીક્ષા વિષે મારે વધારે કહેવાનું હતું; પણ સાહેબને જમવાનો વખત થયો તેથી તે ઊઠ્યા. હસતાં હસતાં તેમણે કહ્યું: “ઠીક ઠીક, આપણે આ વિષય ફરી વાર વિચારીશું. એક વાર શિક્ષકો આગળ તમે ભાષણ આપો.”

હું ઊઠ્યો. મનમાં ગણગણ્યો : “એમ ભાષણ આપે શિક્ષકો ક્યાં ડાહ્યા થાય એમ છે ! પરીક્ષાની ઘરેડમાંથી તેમને કાઢવા ઘણા અઘરા છે. છતાં એમ થઈ શકે તેમ હોય તો તે વિદ્યાધિકારીઓના હુકમોથી થઈ શકે; પણ એ બિચારા તો...”


: ૩ :

ચોથા ધોરણના છોકરાઓ એટલે ભૂગોળનાં નામ અને વિષયથી કંઈક પરિચિત. મેં નકશા મંગાવ્યા અને કાઠિયાવાડ, ગૂજરાત તેમ જ મુંબઈ ઈલાકાના નકશા ભીંત ઉપર ટાંગ્યા. છોકરાઓ નવાઈ પામ્યા. આજ દિવસ સુધી મેં ભૂગોળ શીખવી જ ન હતી. તેઓ નોટોમાંથી કાગળિયા ફાડવા મંડ્યા અને કાગળની ભૂંગળીઓ ટચલી આંગળીએ ચડાવવા લાગ્યા. હું જોઈ રહ્યો.

મેં પૂછ્યું : “આ ભૂંગળાં શા માટે?”