પૃષ્ઠ:Divasvapna.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૯૮]


છોકરાઓ કહે: “સાહેબ, નકશો ગેાખવા.”

હું હબકી ગયો. “નકશો ગોખાય ! ભૂગોળશિક્ષણે ગજબ કર્યો !” જરા રમુજ જોવા મેં છોકરાઓને કહ્યું: “ભાવનગર બતાવો.”

છોકરો મુંબઈ ઈલાકાના નકશા ઉપર ચારે કોર નજર નાખી. મુંબઈ વાંચ્યું, અમદાવાદ વાંચ્યું, હૈદરાબાદ વાંચ્યું; વળી નીચે ઊતરી પુના વાંચ્યું; વળી આ તરફ આવી પોરબંદર વાંચ્યું, પાછળ ઊભેલા બેત્રણ છોકરાએાએ ભાવનગર શોધી રાખ્યું હતું. તેમની ભૂંગળીએ ભાવનગર બતાવવા અધીરી થઈ રહી હતી. આખરે એક જણે વગર પૂછ્યે ભાવનગર બતાવી દીધું.

મેં પૂછ્યું : “ભાવનગર કઈ દિશામાં ?”

છોકરાઓએ ઊંચે, નીચે, જમણી બાજુ, ડાબી બાજુ જોઈ કાંઈક મનમાં હિસાબ ગણી, કાંઈક કાયદો સંભારી કહ્યું : “સાહેબ, ઉત્તરમાં.”

બીજો છોકરો કહે: “ ઉત્તર દિશા તે ઊંચે આવી; આ બાજુ તો પૂર્વ કહેવાય.”

મારાથી હસી જવાયું. મેં કહ્યું : ઊંચે તે આકાશ છે; ત્યાં ક્યાં ઉત્તર છે !”

છોકરાઓ કહે: “ના સાહેબ, ઊંચે ઉત્તર અને નીચે દક્ષિણ.”

એક છોકરો કહે: “સાહેબ, ઉત્તર દક્ષિણ લાંબું અને પૂર્વ પશ્ચિમ પહોળું.”

એક છોકરો કહે : “સાહેબ, સૂરજ ઊગે એ તરફ ઉગમણું.”

મેં કહ્યું: “બતાવો, નક્શામાં સૂરજ ક્યાં છે ?”

બધા વિચારમાં પડ્યા. મેં પૂછયું: “શેત્રુંજી નદી બતાવો.”

છોકરાઓએ ભૂંગળીથી શેત્રુંજી નદી બતાવી.