પૃષ્ઠ:Divasvapna.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૦૨ ]


રંગોની સામે જોઈ રહી તેનું ધ્યાન કરે, સંધ્યાકાળના ફરતા રંગેાની ખૂબીઓ જુએ; દૂરથી ઝાડ કેવું દેખાય છે અને પાસેથી કેવું લાગે છે તેનો જાતઅનુભવ કરે; ઝાડ, પદાર્થ, પર્વત, માણસ અને એના પડછાયા કેવા પડે છે તે ધ્યાન પર લે.

આ રીતે અમારું ચિત્રકામ ચાલતું હતું.


: ૪ :

એક દિવસ હાઈસ્કૂલમાંથી હું એક દૂરબીન (બાયનોકયુલર) લાવ્યો. છોકરાઓને મેં દુરની વસ્તુઓ કેવી રીતે નજદીક દેખાય છે તે બતાવ્યું. છોકરાઓને ભારે નવાઈ લાગી. આખો દિવસ તેએાએ વારાફરતી બાયનોક્યુલર અાંખ ઉપર રાખ્યાં જ કર્યુંં. રાત્રે હું ગ્રહો અને તારાઓ જોવાનું ટેલીસ્કોપ લઈ આવ્યો. મારા મિત્રો કહેઃ “તું પણ ભારે ધમાલિયો છે !”

મારા શિક્ષકભાઈઓ હવે ઘણુંખરું તો આવા બધા પ્રસંગે મારી સાથે જ રહેતા હતા. નિંદા છોડી મારી પાસેથી કાંઈક શીખવા અભિમુખ થયા હતા. વિદ્યાધિકારીએ તેમની સંમતિથી અઠવાડિયે એક કલાક મારા વર્ગમાં સૌ આવે અને હું કેમ કામ કરું છું તે જુએ એમ ઠરાવ્યું હતું.

રાત્રે મેં ચંદ્ર અને તારાઓ મારા વિદ્યાર્થીઓને બતાવ્યા. તેએાને અધધધ થઈ પડ્યું !

ચંદ્ર બતાવતાં બતાવતાં મેં વાત છેડી: “પેલા ચંદ્રમાં રેંટિયો કાંતતી ડોશી અને બકરી દેખાય છે તે ચંદ્ર ઉપર મેાટી મોટી ખીણો અને પર્વતો છે; અને ત્યાં એટલી બધી ટાઢ છે કે ત્યાં કોઈ માણસ નથી.” છોકરાઓ મારી સામે જોઈ રહ્યા. મેં કહ્યું: “આપણે રહીએ છીએ તે ધરતી અને ચંદ્ર એ બે બહેનો છે, ને એનો બાપ સૂરજ છે.”

વિદ્યાર્થીઓ વધારે આશ્ચર્યથી મારા તરફ જોઈ રહ્યા.