પૃષ્ઠ:Divasvapna.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦૩]


એક જણ કહે: “આવી વાર્તા કઈ ચોપડીમાં છે ?"

મે કહ્યું: “આ વાર્તા નથી, સાચી વાત છે.”

છોકરાઓ કહે: “હોય નહિ!”

મેં કહ્યું: “એમ જ છે.”

તરત જ મેં સૂર્યમાંથી પૃથ્વી કેમ થઈ તેની વાત આરંભી; અને તે વાત જામી. દિવસો ઉપર દિવસો ગયા. એટલામાં તો મેં પૃથ્વીનું પડ ટાઢું કેમ પડ્યું, ખાડાટેકરા કેમ થયા, સરોવરનદીઓ કેમ થયાં, શેવાળ, જળજંતુઓ, માછલાં, દેડકાં, જળસ્થળ પ્રાણીઓ, જંગલો અને જંગલી મનુષ્યો અને જગલીમાંથી ધીરે ધીરે આજનાં મનુષ્યો કેમ થયાં તેની વાત કહી એ વાર્તા ઘણી અદ્ભુત હતી. છોકરાઓ અત્યંત એકાગ્રતાથી તે સાંભળતા હતા. હેડમાસ્તર સાતમા ધોરણના છોકરાઓને પણ તે સાંભળવા મોકલતા.

એક દિવસ હું પૃથ્વીનો ગોળો લાવ્યો અને કહ્યું: “આ બધું આના ઉપર કેમ થયુ તેની વાત કહી.”

પછી મેં પાણી અને જમીન કયાં છે, કાળા લોકો અને ધોળા લોકો ક્યાં છે, પીળા લોકો અને રાતા લોકો ક્યાં છે, ઠીંગણા અને ઊંચા લોકો ક્યાં છે એ બધું બતાવ્યું. પછી મેં પૃથ્વીના કુદરતી વિભાગો અને તેનાં નામો કહ્યાં પછી આપણે એશિયામાં છીએ; એશિયામાં આ દેખાય છે તે હિંદુસ્તાન છે; હિંદુસ્તાનમાં આ દેખાય છે તે કાઠી લોકોનો મુલક કાઠિયાવાડ છે; અને કાઠિયાવાડમાં આ ભાવનગર છે, તે બતાવ્યું.

મેં છોકરાઓને કહ્યું: “આ લો ગોળો અને પેલી પેટીમાંથી કાઢો નકશાઓ. આ ગોળા ઉપર કયાં કયાં તે બધા બંધબેસતા આવે છે તે શોધી કાઢો.”