પૃષ્ઠ:Divasvapna.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મદ્રાસનાં દૃશ્યોની એક ફિલ્મ હતી તે મેં તેમને બતાવી. સિનેમા નુકસાન કરે છે તેમ બીજી બાજુએ શિક્ષણ આપવાના એક કીમતી સાધન તરીકે પણ તે ઊભું રહે છે. દૂરનાં દૃશ્યો આબેહૂબ બતાવવાથી તેમનો ભૌગોલિક રસ વધતો જાય છે. સિઝર્સ સિગારેટનો ગંજીપો મને હાથ લાગેલો. તેમાં દેશેદેશના માણસોનાં ચિત્રો છે. એ ચિત્રો પણ જોવા મૂક્યાં. મારો ઉદ્દેશ તેમને આખી દુનિયાનું જ્ઞાન કરાવવાનો ન હતો; તેમને કશું યાદ રહે તેવી મતલબ પણ નહોતી. માત્ર તેમના મન ઉપર વસે કે દુનિયા આવડી મોટી છે, તેમાં ઘણું જોવાજાણવા જેવું છે અને તેને જોવાને માટે આ સાધનો છે, એટલે બસ.

એક બીજી રમત પણ કાઢેલી. તે રમતનું નામ 'ચાલો આપણે મુસાફરીએ જઈએ.' એવું રાખેલું. ભાવનગરથી અમદાવાદ, દ્વારકા, મુંબઈ, હિમાલય, વિલાયત એમ ઊપડવા નીકળતા. પછી કેમ ઊપડવું, કઈ કઈ ગાડીએામાં બેસવું, ક્યાં ક્યાં ગાડીઓ બદલવી, ક્યાં ક્યાં જોવા જેવું છે અને શું શું જોવા જેવું છે, કેટલા દિવસમાં કેટલો પ્રવાસ થશે, કોને કોને મળવું, શું શું ખરીદવું એનો વિચાર કરતા. ખરેખર ખર્ચનો અડસટ્ટો બાંધતા અને શહેરોની ગાઈડો જોઈ પ્રવાસમાં જોવાનાં સ્થળો નોંધી લેતા અને ભૂગોળેામાંથી વખણાતી ચીજો વાંચીને કઈ લેવી તે નક્કી કરતા. સાચે જ મુસાફરીએ નીકળ્યા હોઈએ તેવો બધી બાબતનો અભ્યાસ કરતા. આ અભ્યાસ ભૂગોળ સમજવાની રીતના એક નમૂના રૂપે કરાવતો. બાકીનું વિદ્યાર્થીએા ઉપર છોડતો. કોઈ વાર દીવાસળીની પેટી ક્યાંથી આવી તેનું નકશા ઉપર પગેરૂં કાઢતા; કોઈ વાર અહીં ઊગેલું રૂ વિલાયત જાય છે તે ક્યે રસ્તે જાય છે તે જાણવા કલ્પનામાં રૂની ગાંસડી ઉપર બેસીને ચાલતા. કોઈ વાર બજારમાં ફરવા જતા ને એક દુકાનમાં કયા કયા દેશો અને ગામો આવીને બેઠાં છે તેની તપાસ કરતા. કોઈ વાર