પૃષ્ઠ:Divasvapna.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦૮]


મેં કહ્યું: “મારી એવી ઉમેદ તો છે જ કે ગણિતનો અખતરો હું એકડેથી જ કરું. પછી હું બધાને કહી શકું કે આ રીત સારી છે. મારા શિક્ષકભાઈઓને ગણિતના વિષયમાં કંઈ ને કંઈ નવી પદ્ધતિ દાખલ કરવાનો શોખ છે તે જાણું છું. હું આવતે વર્ષે જો અખતરો કરવા ભાગ્યશાળી થાઉં તો ચંદ્રશંકર ને હું એ વિષયમાં અખતરા કરીએ. મને લાગે છે કે મોન્ટેસેરી ગણિતપદ્ધતિ અચ્છી છે. તે સ્વાભાવિક છે. મેં તેનું વાચનમનન કર્યું છે પણ પૂરો અનુભવ લીધો નથી.”

વિદ્યાધિકારી કહે: “આવતે વર્ષે તમે આપણે ત્યાં ડેપ્યુટીનું, અધ્યાપનમંદિરના શિક્ષકનું અને ગણિતના અખતરા કરનારનું સ્થાન લ્યો તો ?”

મેં જવાબ આપ્યોઃ “એ તો હરિઈચ્છા; પરંતુ આ વખત માટે તો હું માગી લઉં છું કે ગણિતના વિષયમાં હું કાંઈ ખાસ નવીન કરી બતાવી શકીશ નહિ.”


: ૬ :

વાર્ષિક પરીક્ષા નજીક આવી. હું મારી રીતે મારા વિદ્યાર્થીઓ પાસે તેની તૈયારી કરાવવા લાગ્યો. વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી તૈયાર થઈ રહ્યા હતા. મારા મનને ખાતરી હતી કે મારા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ નીવડશે.

પરીક્ષાનો દિવસ આવ્યો. અધિકારી સાહેબે સૌની પરીક્ષા લેવરાવી લીધી. આજે મારા વર્ગનો વારો હતો. અમારી શરત પ્રમાણે તેમણે પોતે જ પરીક્ષા લેવાની હતી. તેમણે મને હસીને કહ્યુંઃ “વારુ, મારે તમારા વર્ગની પરીક્ષા નથી લેવી. તમારા વર્ગના બધા વિદ્યાર્થીઓને હું ઉપલા ધોરણમાં ચડાવું છું.”

મેં કહ્યું: “ના જી, એમ ન બને, એમ કરવાથી કેટલાએક વિદ્યાર્થીઓને ન્યાય નહિ મળે.”