પૃષ્ઠ:Divasvapna.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦૯]


વિદ્યાધિકારી કહે: “એટલે ઉલટો એમાં અન્યાય થશે? શી રીતે?”

મેં કહ્યું: “જેઓ ચડાવવા જેવા નથી તેઓને મારાથી ઉપર ન ચડાવાય.”

વિદ્યાધિકારી કહે: “પણ મારી ખાતરી છે કે તમે બધાને બરાબર તૈયાર કર્યા છે. તમારું ભણતર મને મંજૂર છે.”

મેં કહ્યુંઃ “એ ખરું; પણ મારું ભણતર સૌમાં શું સરખું ઊગે છે ! કોઈ કોઈને તો એ સ્પર્શ્યું પણ નથી: એવા ને એવા કોરા રહ્યા છે."

વિદ્યાધિકારી કહેઃ “તો એનું શું કરવું તે તમે જ બતાવો.”

મેં કહ્યું: “એમાંના કોઈ કોઈને તો શાળા જ છોડાવવી જોઈએ. રઘા વાળંદનો છોકરો ઇતિહાસ ભૂગોળ કે ગણિતનો જીવ નથી. તે આ શાળામાં મૂંઝાય છે. પણ તે એવો ફરંદો છે કે સો હજામનો શેઠ થઈ મોટું હજામતખાનું ખેાલે. એને હજામતમાં કુશળતા મેળવવા અને સલૂનોની વ્યવસ્થા શીખવા મુંબઈ મોકલવો જોઈએ.”

વિદ્યાધિકારી કહેઃ “વારુ, બીજા કોણ કોણ છે કે જેઓ શાળા માટે નાલાયક હોય?”

મેં કહ્યું: “શાળા માટે નાલાયક છે એમ નહિ, પણ શાળા તેમને માટે નાલાયક છે, જે કામ માટે તેઓ લાયક છે તે કામ શાળા તેમને આપતી નથી."

વિદ્યાધિકારી કહેઃ “વારુ એમ; પણ એવા કોણ કોણ છે ?”

મેં કહ્યું: “જીવણશેઠનો નેમો પોલિસખાતા માટે લાયક છે. એને અખાડામાં દાખલ કરો. એને માટે થોડીએક મુસાફરી શેઠ ગોઠવે ને સારા ફોજદાર પાસે તે રહે ને થોડો કાયદો વાંચે. પાંચ વર્ષે ફક્કડ જમાદાર થશે. અત્યારથી એ અરધી નિશાળ ઉપર તો જમાદારી કરી જ રહ્યો છે !”