પૃષ્ઠ:Divasvapna.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૨ ]


પડે છે, વળી તમે તો લેખક અને વિચારક રહ્યા. ટેબલ પર બેસી લેખો લખવાનું સહેલું છે, કલ્પનામાં ભણાવી દેવું પણ સહેલું છે; અઘરું છે માત્ર પ્રત્યક્ષ કામ કરવું અને તે પાર ઉતારવું”

મેં કહ્યું: “એટલે જ તો મારે જાતઅનુભવ કરવો છે. મારી કલ્પનામાં મારે વાસ્તવિકતા આણવી છે.”

ઉપરી સાહેબે કહ્યુંઃ “ભલે ત્યારે. તમારો આગ્રહ હોય તો એક વર્ષ સુખેથી અનુભવ લો. પ્રાથમિક શાળાનું ચોથું વર્ષ હું તમને સેાંપું છું. આ તેનો અભ્યાસક્રમ છે; આ રહ્યાં તેમાં ચાલતાં પાઠ્યપુસ્તકો; અને આ રહ્યા રજા વગેરેના ખાતાના કેટલાએક નિયમો.”

મેં આદરથી એ બધાં તરફ નજર નાખી. અભ્યાસક્રમ હાથમાં લઈ ખિસ્સામાં મૂક્યો ને પાઠ્યપુસ્તકોને એક દોરીથી બાંધવા લાગ્યો.

સાહેબે કહ્યું: “જુઓ, તમને ગમે તે અખતરા કરવાની છૂટ તો છે જ; એ માટે તો તમે આવ્યા છો. પરંતુ એટલું પણ ધ્યાનમાં રાખજો કે બાર માસે પરીક્ષા આવીને ઊભી રહેશે ને તમારું કામ પરીક્ષાના માપે મપાશે.”

મે કહ્યું: “એ કબૂલ છે; પણ મારી એક માગણી છે કે પરીક્ષક સાહેબ આપ પોતે જ થશો. આપે પોતે જ મારા કામનો ક્યાસ કરવો પડશે, આપ જો અખતરા કરવાની છૂટ આપો છો તો આપને જ મારું કામ બતાવી સંતોષ પામીશ. આ૫ જ મારી સફળતાનિષ્ફળતાનાં કારણો સમજી શકશો.

ઉપરી સાહેબે હસીને હા કહી ને હું ઑફિસમાંથી બહાર નીકળ્યો.


: ર :

અભ્યાસક્રમ આખો જોઈ ગયો હતો. કેટલાયે ફેરફારો કરી શકાશે એમ ખાતરીપૂર્વક લાગ્યું. પાઠ્યપુસ્તકો પર નજર નાખી ગયો. ગુણદોષ આંખ આગળ તરી આવ્યા, કેવા સુધારા થઈ શકે તે