પૃષ્ઠ:Divasvapna.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૧૦]


વિદ્યાધિકારીએ કહ્યું: “વારુ, બીજા કાચા કોણ કોણ છે?”

મેં કહ્યું : “જી, એ રીતે બીજા ત્રણ જણ કાચા છે. એને હું આ રજામાં મારી પાસે રાખીશ ને ઉપલા ધોરણ માટે તૈયાર કરીશ. પણ સાહેબ, આ આપણી નિશાળોનાં ધોરણો અને અભ્યાસક્રમની સખ્તાઈનો કંઈ ઉપાય નથી શું ?”

વિદ્યાધિકારીએ કહ્યું : “એ વાત જવા દો. એમાં મારા હાથપગ બંધાયેલા છે એમ મેં તમને ઘણી વાર કહેલું છે. વારુ ત્યારે તમારી પરીક્ષા પૂરી.”

મેં કહ્યું : “ના સાહેબ.”

વિદ્યાધિકારીએ કહ્યું : “ છમાસિક જેમ કંઈક ગોઠવ્યું લાગે છે. તમારી પદ્ધતિ હવે જાણવામાં આવી ગઈ છે.”



: ૭ :

આજે શાળાનો મેળાવડો હતો. દર વર્ષે આવો મેળાવડો પરીક્ષા પછી થાય છે. જે વિદ્યાર્થીઓ ઊંચે નંબરે પાસ થયા હોય તેમને આજે ઈનામો આપવાનાં હતાં. ગામના શેઠશ્રીમંતો અને અમલદારો હાજર હતા. આ પ્રસંગનો કાર્યક્રમ મને ગોઠવવા સાહેબે કહ્યું હતું. મેં મારા જ વિદ્યાર્થીઓને તે કામ સોંપ્યું હતું. જે કંઈ કર્યું હતું તે મારી સૂચનાસલાહથી તેમણે જ કર્યું હતું.

પ્રથમ દાંડિયારાસ શરૂ થયા. અર્ધા કલાક સુધી તેઓએ. ઝુકઝુકાટી બોલાવી. પછી શરતોની રમત ચાલી - દોડવાની, ઠેકવાની ત્રણ પગની, જમરૂખની, ખુરશીની વગેરે વગેરે. લોકો એકધ્યાનથી રમત જોઈ રહ્યા હતા. રમતો પૂરી થઈ એટલે મૂક અનુકરણ નાટક શરૂ કર્યું. કોઈ ગામના શેઠનું, કોઈ વિદ્યાધિકારીનું, કોઈ ફોજદારનું, કોઈ દેશનાયકોનું સુંદર અનુકરણ વિધાર્થીઓ બતાવી