પૃષ્ઠ:Divasvapna.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૬ ]

શાળામાં અહીં પ્રાથમિક શાળામાં તો ફડ કરતો તમાચો લગાવો એટલે સૌ ચૂપાચૂપ ! ને પછી રીતસર સૌ ભણાવે છે એમ ભણાવો તો બાર માસે પરિણામ દેખાશે. આ એક દિવસ તો ગયો ને ઊલટા બન્યા !”

મને મારા હેડમાસ્તરની દયા આવી. મેં કહ્યું: “સાહેબ, તમાચા મારી ભણાવવાનું તો બીજા સૌ કરી જ રહ્યા છે. અને તેનું ફળ તો હું ભાળું છું કે છોકરાઓ કેટલા અસભ્ય, જંગલી, અશાંત અને અવ્યવસ્થિત છે. હું તો જોઈ શક્યો કે આ ચાર વર્ષની કેળવણીમાં છોકરાએાએ જાણે કે આટલું જ લીધું: હોહો, હૂહૂ ને તાળી પાડવી ! એમને નિશાળ તો ગમતી જ નથી. રજાનું નામ પડ્યું એટલે તો ઊછળી ઊછળીને ભાગ્યા !”

હેડમાસ્તર કહે: “ત્યારે હવે તમે શું કરો છો તે જોઈશું.” હું ધીરે પગે અને મોળે હૈયે ઘેર ગયો. વિચાર કરતો પડ્યોઃ “માળું, કામ તો આકરું છે ! પણ આકરું છે તેથી તો મારી ખરી કસોટી થશે. હરકત નહિ. આપણે હારવું નથી. એમ કાંઈ “શાંતિની રમત' તે થતી હશે ? મૉન્ટેસોરી પદ્ધતિમાં એ માટે કેટલી પૂર્વ તાલીમ હોય છે ? હું પણ થોડોએક મૂરખ તો ખરો કે પહેલે જ દિવસે એ કામ ઉપાડ્યું ! પ્રથમ મારે એમનો કંઈક પરિચય સાધવો જોઈએ. કંઈક મારે માટે તેમને રસ ને પ્રેમ ઉપજવાં જોઈએ. પછી તેઓ મારું કહેવું કંઈક સાંભળે ને કરે. જ્યાં આ છોકરાઓને નિશાળ નહિ પણ રજા ગમે છે ત્યાં કામ કરવું એટલે તો ભગીરથે ગંગા આણવી !”

બીજા દિવસના કામના વિચારો ગોઠવ્યા ને સૂતો. રાત્રી તો દિવસના કામમાં અને આવતી કાલના કામનાં સ્વપ્નોમાં જ ચાલી ગઈ.