પૃષ્ઠ:Divasvapna.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭ ]


 : ૩ :

શાળા ઊધડી ને હું ગયો. છોકરાઓ મારી ફરતા ફરી વળ્યા ને મશ્કરીમાં ઉડાવતા હોય તેમ ગમતમાં પણ ડર્યા વિના કહેવા લાગ્યા: “માસ્તર સાહેબ, આજે પણ રજા આપો ને ? આજે પણ રજા, રજા, રજા !”

મેં કહ્યું: “ઠીક ત્યારે, આજે પણ રજા તો આપીશું; પણ આખા દિવસની નહિ, બે કલાકની. પણ ઊભા રહો, હું તમને એક વાર્તા કહું છું તે સાંભળો. પછી આપણે બીજી વાત કરીશું.”

મેં તુરત જ વાર્તા ઉપાડી.

“એક હતો રાજા, અને એને સાત રાણીઓ. સાતેને સાત કુંવર ને સાતેને સાત દીકરીઓ.”

ગડબડ ગડબડ ને હલ્લાહલ્લી કરતા સૌ છોકરાઓ મારી આસપાસ બેસી ગયા. હું વાર્તામાં જરા અટક્યો ને કહ્યું: “જુઓ, સૌ સરખા બેસો. આમ તો ઠીક ન પડે."

બધા કંઈક કંઈક ઠીક બેસી ગયા, પણ કહેવા લાગ્યાઃ “પણ ઝટ વાર્તા કહો ને : ઝટ કહો. પછી શું થયું ?”

મેં મોં મલકાવી આગળ ચલાવ્યું.

'એ સાતે દીકરીઓને સાત સાત મહેલ ને મહેલે મહેલે સાત સાત મોતીનાં ઝાડ.'

છોકરાઓ તે ફાટી આંખે વાર્તા સાંભળવા લાગ્યા. આખો વર્ગ ચૂપચાપ હતો. કોઈ બોલે કે ચાલે. હેડમાસ્તરને થયું હશે કે આ વર્ગમાં આટલી બધી શાંતિ કેમ છે, એટલે તે વર્ગમાં આવ્યા. મને કહેઃ “કેમ, વાર્તા કહો છો કે ?”

મેં કહ્યું: “હા જી; વાર્તા અને આ નવી જાતની શાંતિની રમત બન્ને કરું છું.”