પૃષ્ઠ:Divasvapna.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮ ]


હેડમાસ્તર પાછા પડી ચાલ્યા ગયા. વાર્તા ચાલતી હતી પણ આજુબાજુના વર્ગોમાંથી ખૂબ ઘોંઘાટ આવતો હતો. મેં કહ્યુંઃ “જુઓ, આસપાસ કેવી ગડબડ થાય છે ?” સૌ છોકરાઓએ ગડબડ તરફ કંટાળો બતાવ્યો.

વાર્તા અરધે આવી એટલે મેં કહ્યું: “કહો જોઈએ, રજા જોઈતી હોય તો વાર્તા બંધ કરીએ; નહિતર તે ચાલુ રાખીએ.”

બધા કહે: “ચાલુ ચાલુ. અમારે રજા નથી જોઈતી.”

મેં કહ્યું: “ઠીક ત્યારે, વાર્તા આગળ ચલાવીએ; પણ” મેં ઊમેર્યું : “આપણે જરા વાતચીત કરી લઈએ. પછી ઘંટ વાગે ત્યાંસુધી વાર્તા ચલાવીએ.”

એક છોકરો કહેઃ “ પણ વાતચીત કાલે કરજો. ઝટ વાર્તા કહો ને, તે પૂરી થાય.”

મે કહ્યું: “એ તો ચાર દિવસ ચાલે એટલી લાંબી છે.”

બધા કહે: “ એાહો ! એટલી બધી લાંબી ! ત્યારે તો મજા પડશે ! ”

મેં ખીસામાંથી કેટલોગ કાઢયું ને નામ લખવા માંડ્યાં. સૌએ વારાફરતી પોતાનાં નામ લખાવ્યાં, પટ પટ ને ઝટ ઝટ. પછી મેં હાજરી પૂરી લીધી ને કહ્યું: “જુઓ, હવેથી આપણે વાર્તા શરૂ કરતાં પહેલાં હાજરી પૂરીશું ને પછી વાર્તા.” આટલું કહી મેં વાર્તા ચાલુ કરી તે ઠેઠ ઘંટ વાગ્યો ત્યાં સુધી.

સમય પૂરો થયો, પણ છેકરાઓ કહેઃ “ના, હજી બેસો ને વાર્તા કહો.”

મેં કહ્યું: “બસ ભાઈઓ, હવે કાલે.” વળી પૂછ્યું: “કાલે રજા કે વાર્તા ?” બધા કહે: “ વાર્તા, વાર્તા, વાર્તા !” એમ કહી સૌ ચાલ્યા ગયા.