પૃષ્ઠ:Divasvapna.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૯ ]


ગઈ કાલના “રજા, રજા, રજા,” શબ્દોને બદલે આજે “વાર્તા, વાર્તા, વાર્તા” શબ્દો વાતાવરણમાં ગાજી રહ્યા.

મને થયું: “ હાશ, આજનો દિવસ તો સુધર્યો ! વાર્તા એક અદ્ભુત જાદુ છે તે વાત સાચીઃ એક સો ને એક ટકા સાચી!”


: ૪ :

બીજે દિવસે સવારે સૌ છોકરાઓ મોં મલકાવતા મલકાવતા, હું વર્ગમાં આવ્યો કે તુરત જ ઉપરાછાપરી પડતા પડતા મને વીંટી વળ્યા અને બોલ્યાઃ “ચાલો માસ્તર સાહેબ, હવે વાર્તા કહો.”

મેં કહ્યું: “પહેલાં હાજરી, પછી થોડીએક વાતચીત ને પછી આપણી વાર્તા.”

ખીસામાંથી ચાકનો ટુકડો કાઢી વર્ગમાં વર્તુળ આકાર કાઢ્યો ને કહ્યું: “જુઓ, આની ઉપર રોજ આવીને બેસવું.” બેસી દેખાડી કહ્યું: “ આવી રીતે. આ જગા મારી. અહીં બેસી હું વાર્તા કહીશ.”

બધા ગોઠવાઈ ગયા. મેં જગા લીધી. હાજરી પૂરીને વાર્તા શરૂ કરી. સૌ અભિમુખ હતા. વાર્તા લલકારી મંત્રમુગ્ધ પૂતળાં જેમ સૌ સાંભળતા હતા. વચ્ચે વાર્તા અટકાવીને કહ્યુંઃ “કેમ તમને વાર્તા કેવી ગમે છે ?”

“અમને વાર્તા બહુ ગમે છે.”

“તમને વાર્તા સાંભળવી ગમે છે તેમ વાંચવી પણ ગમે કે ?”

“હા, અમને વાંચવી પણ ગમે, પણ એવી ચોપડીઓ જ ક્યાં છે ?”

“પણ વાર્તાની ચોપડીઓ હું તમને લાવી આપું તો વાંચો કે નહિ?”

“ વાંચીએ, વાંચીએ.”