પૃષ્ઠ:Divasvapna.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૮]


“ઘણી યે આવડે છે. પણ અહીં કાંઈ રમાય ?”

“કેમ ન રમાય ?”

“આ તો નિશાળ છે. ક્યાં કોઈ દિવસ છોકરાઓ અહીં રમે છે ! કોઈ દિવસ રમતાં ભાળ્યા છે !”

“પણ આપણે તો રમીએ. હું તમારી જોડે રમીશ. ચાલો રમીએ.”

કેટલાએક છોકરાઓ સજજડ ઊભા રહ્યા. કોઈ કોઈ તો હેઈયાં કહીને રમવા દોડ્યા. ત્યાં તો હોહો થઈ રહ્યું ! બીજા વર્ગના છોકરાઓ વર્ગમાંથી જોઈ રહ્યા. બીજા શિક્ષકો પણ મારી સામે તાકી રહ્યા.

હેડમાસ્તર એકાએક આવ્યા ને મને ટોક્યો: “જુઓ, આ રમતો અહીં નજીકમાં નહિ રમાય. જોઈએ તો દૂર પેલા મેદાનમાં જાઓ. અહીં બીજાઓને અડચણ થાય છે.”

હું છોકરાઓને લઈ મેદાનમાં ગયો.

છોકરાઓ તો છૂટેલા ઘોડાઓ જેમ કૂદાકૂદ કરી બોલતા હતા: “રમત! રમત ! એ ભાઈ રમત !”

મે કહ્યું: “કઈ રમત રમીએ !”

એક કહે: “ખેાખો.”

બીજો કહે: “ ના, હતુતુ.”

ત્રીજો કહેઃ “ના, સાતટાપલિયો દાવ.”

ચોથો કહે: “તો અમારે નથી રમવું.”

પાંચમો કહે: “તો ચાલો આપણે બાકીના રમીએ.”

હું છોકરાઓને શેરીમાં પડેલી ટેવો જોઈ શક્યો. મેં કહ્યું: “આપણે તો રમવા આવ્યા છીએ. ના અને હા, ને નથી રમતા ને રમતા, ને એવું કરવું હોય તો ચાલો પાછા નિશાળે જઈએ.”