પૃષ્ઠ:Divasvapna.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૦]


જીતનાર કહે: “લગાવ્યાં, લગાવ્યાં ! ખીજવીશું, ખીજવીશું ને ખીજવીશું ! એ હાર્યો ! એ હાર્યો ! એ હાર્યો !”

પેલાનો ગુસ્સો હાથ ન રહ્યો ને પથરો ઊંચકીને લગાવ્યો. પથરો સામાના માથામાં લાગ્યો ને લોહીની ધાર ચાલી. મને થયું કે આ ભૂંડી થઈ ! મારો રૂમાલ ફાડી મેં તેને પાટો બાંધ્યેા.

સૌ છોકરાઓને પાસે બેલાવ્યા ને કહ્યું: “કાલથી રમવાનું બંધ.”

બધા કહે: “પણ એ બે લડે એમાં અમને શું !”

મેં કહ્યું: “તમને એકબે વાત કબૂલ હોય તો જ રમવા આવીએ.”

બધા કહેઃ “ કબૂલ, કબૂલ.”

મેં કહ્યું: “પહેલી વાત એ કે રમતી વખતે નકામું બોલવું નહિ. બોલે તે માર થાય.”

બધા કહેઃ “કબૂલ.”

“બીજી વાત એ કે હારવા જીતવાની વાત જ નહિ. રમત છે; એક વાર આપણે નબળા દેખાઈએ તે બીજી વાર બીજા દેખાય. એમાં પછી અમે હાર્યા ને તમે જીત્યા એવું ન હોય. રમવું એટલે રમવું, દોડવું ને મજા લેવી. હારવું ને જીતવું ને પછી માથાં ફોડવાં એ બધું આપણને ન જોઈએ.”

બધા કહેઃ “એ પણ કબૂલ.”

અમે સૌ રમત રમીને શાળાએ આવ્યા. સાથે પેલો માથું ફૂટેલો છોકરો પણ હતો. માસ્તરે ને છોકરાઓ સૌ અમને જોવા બહાર આવ્યા. એક ટીખળી છોકરે કહ્યું: “કાં, કેવી રમત રમાડી!”

બીજો કહે: “એ તો ભાઈ હોળી રમવા ગયા'તા !”

રજા પડી એટલે શિક્ષકો અને હેડમાસ્તર મળ્યા. એક શિક્ષક મને કહે: “કેમ, યુદ્ધની રમત રમી આવ્યા !”