પૃષ્ઠ:Divasvapna.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૨૧ ]


બીજો કહે: “અરે ભાઈ, આ રમતનું કયાં કાઢયું ! આ બાર બાપની વેજા એને તો શાળાની ચાર દીવાલોમાં રાખવી ને ગોખાવવું ને ભણાવવું; છૂટી મૂકીએ તો તો માથાં ભાંગી નાખે ! શેરીમાં રોજ શું થાય છે એ નથી જાણતા !”

હેડમાસ્તર કહે: “હું તો ધારતો જ હતો કે કંઈક નવાજૂની થશે. પણ ઠીક છે, આ ભાઈને એક વાર અનુભવની જરૂર છે, એ વિના અમસ્થા ટાઢા નહિ પડે ! અહીં શાળામાં તે રમતોફમતો હોય? ”

મેં કહ્યું: “સાહેબ, રમત એ જ સાચું ભણતર છે. દુનિયાની મહાન મહાન શક્તિઓ રમતના મેદાન પર થયેલી છે. રમત એટલે ચારિત્ર્ય.”

હેડમાસ્તર કહે: “ ત્યારે જ તો મારામારી થઈ ને માથું ફૂટયું ને !”

વાત ચાલે છે ત્યાં માથું ફૂટેલા છોકરાનો બાપ ધૂવાંફૂવાં થતો આવ્યો. તે બોલ્યો: “આ અમારે આવું ભણતર નથી જોઈતું. જુઓ, આ માથું બધું ભાંગી ગયું છે ! કયાં છે મોટા માસ્તર ! કોણે એને માર્યો?”

મેં કહ્યું: “જુઓ ભાઈ, એ તો રમવા ગયેલા તે ત્યાં છોકરા લડી પડ્યા ને લાગ્યું.”

બાપ કહે: “પણ રમવા જવાનું એને કીધું કોણે ? નિશાળમાં તે ભણાવવાનું હોય કે કાંઈ રમાડવાનું ! દિવસ બધો શેરીમાં તો રમે જ છે ને ! તમારે છોકરાને ભણાવવો હોય તો મોકલું; નહિતર ન મોકલું.”

હું તો સાંભળી જ રહ્યો.

હેડમાસ્તર કહે: “ એ તો આ ભાઈ જરા નવા શિક્ષક આવ્યા છે તે ભણાવવાના નવા નવા અખતરા કરે છે. આજે આ રમતનો અખતરો કર્યો ! ને એમ કરતાં આ બાઝણ થઈ !”