પૃષ્ઠ:Divasvapna.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૬]

ખીલે છે, મને પોતાને ગણવા લાગ્યા છે, મારાથી બહુ બીતા નથી, અને રમત પછી આદર્શ વાચન ખૂબ ધ્યાનથી સાંભળે છે. પણ હજી રમત વખતની અવ્યવસ્થા ને ઘેાંઘાટ થોડાં જ ઘટ્યાં છે. ખૂબ મહેનત કરું છું પણ હજી પૂરો રસ્તો કપાયો નથી.

“વાચનાલયમાં હજી થોડી જ ચોપડીઓ છે. માબાપોને હજી હું પાઠ્યપુસ્તકોને બદલે પુસ્તકાલય રચવાની વાત ગળે ઉતારી શક્યો નથી. મને લાગતું હતું કે માબાપને ભાષણ આપીશું ને સમજાવીશું એટલે બધું થઈ જશે. પણ અહીં તો માબાપને માત્ર 'ભણાવી દે' એટલું સમજવાની ટેવ પડી છે. તેઓ બીજું કશું સાંભળવા નવરાં નથી, અને તેમને સમજાતું પણ નથી. પણ ફિકર નહિ; એ તો પાછળ લાગવાથી થશે. આજ નહિ તો કાલે; હજી ઘણા દિવસો છે.”

મને થયું: “આ પ્રયોગ એટલે તો મોટું મહાભારત કામ ! આથી જેટલી આપણી કલ્પના, સમજણ અને આદર્શ તેટલી તેની ગંભીર અને મોટી મૂંઝવણ. મારા મનને અનેક પ્રશ્નો મૂંઝવતા હતા. સ્વચ્છતાનું તો હજી કંઈ જ થયું ન હતું, ટોપીઓમાં તો કંઈ ન વળ્યું. કપડાં એકાદબે દિવસ સુધી ઠીક ઠીક સારાં આવ્યાં ને પછી તો પાછી એની એ સ્થિતિ ! નખ પણ પાછા એના એ પાવડા જેવા વધવા લાગ્યા છે. પણ આની પણ પાછળ પડ્યા સિવાય રસ્તો નથી. સમાજમાં નવી ટેવ નાખવી છે એટલે તો ધીરજથી પણ વારંવાર કરવાથી જ થશે.

“ને એકલા છોકરાની જ થોડી ચિંતા છે ? ઉપરી સાહેબ પણ હવે જરા ઉતાવળા થયા છે. તેમના ય પાછા ઉપરી અને વિરોધીઓ હોય છે. તેઓ જશના ભાગી થવા માગે છે, પણ ઉતાવળ અને પરિણામ બંને માગે છે. તેમની મદદ કરવાની શક્તિ પણ મર્યાદિત તો છે જ."