પૃષ્ઠ:Divasvapna.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૯]


 : ૨ :

મેં અભ્યાસક્રમના વિષયોમાંથી કંઈક ઉપાડવાનું શરૂ કર્યું. એક દિવસ સવારે મેં કહ્યું: “લખો ડિક્ટેશન.” છોકરાઓ મારી સામે જોઈ રહ્યા. તેઓના મનમાં કદાચ આવ્યું જ નહિ હોય કે હું ડિકટેશન લખાવું અને પાઠ લઉં ને દઉં, કે નકશો પૂછું ને એવું ને એવું કરું એવી જાતનો માસ્તર હોઉં. વળી એક રીતે હું તેવો ન જ હતો. મને તેઓએ તેવો જાણ્યો જ ન હતો.

મેં તેમને કહ્યું: “લખો.”

ઘણાની પાસે પાટી અને પેન નહોતાં. પાટીપેનનું કે બીજી ચોપડીઓનું તેમને કામ પડતું ન હતું એટલે તેઓ એ વિના જ આવતા થઈ ગયા હતા. બીજા વર્ગમાંથી મેં પાટી અને પેનો મગાવ્યાં ને ડિકટેશન લખાવવા બેઠો.

કેટલાએકે મોં મચકોડ્યાં. કોઈ કહે: “ભાઈ, વાર્તા નહિ ?” કોઈ કહેઃ “ચોપડી ક્યાં ચાલે છે તે એમાંથી ડિકટેશન લખાવશો !” એકબે કહે: “ પહેલાં જોઈ જવા દો કે ભૂલ ન પડે.”

મને થયું: “વારુ; આ બધા છે તો પૂરેપૂરી જૂની ઘરેડના શિક્ષણમાં ઊછરેલા. ડિકટેશનનો જૂનો અર્થ તેઓ બરાબર જાણે છે ને તેથી તેએાને તે ગમતું નથી, તેનાથી ભડકે છે ને તેની પૂર્વતૈયારી માગે છે.”

મેં વાચનાલયમાંથી એક ચોપડી ઉપાડી લખાવવા માંડ્યું. હું એક આખું વાક્ય બોલ્યો. પણ હું બેચાર શબ્દ બોલું ત્યાં તો છોકરાઓ કટ કટ શબ્દો સાંભળીને લખવા માંડ્યા ને વાક્ય બોલી રહ્યો તે તો તેમણે સાંભળ્યું પણ નહિ ! તેઓ “શું લખાવ્યું, ભાઈ?” “શું લખાવ્યું, ભાઈ?” એમ કહી પૂછવા લાગ્યા. મેં કહ્યું: “જુઓ, કેમ લખવું તે હું તમને બતાવું, હું જે વખતે