પૃષ્ઠ:Divasvapna.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૩૨ ]


તેએાને રોજ ને રોજ ચાર લીટી કોઈ પણ ચોપડીમાંથી બરાબર જોઈને લખી લાવવાનું સોંપ્યું. મેં પોતે તેમને દસ મિનિટ રોજ વાક્યો લખાવવાનું રાખ્યું. તેઓ રોજ પા કલાક સામસામે લખાવે ને એકબીજાની ભૂલો સુધારી નાખે તેમ પણ રાખ્યું.

તેમને જોડાક્ષરો આવડે તે માટે મેં અઘરા જોડાક્ષરોની અને ખાસ કરીને ચોથી ચોપડીમાં આવી જતા બધા જોડાક્ષરોની એક પેાથી બનાવી આપી. આ પોથી સૌને વારાફરતી વાંચવા અને પાટીમાં લખવા માટે આપી.

ચોથી ચોપડીમાં આવતી અઘરી જોડણીની હું યાદી બનાવવા લાગ્યો, અને તેનો ઉપયોગ પણ વિચારી રહ્યો.

અમારું કામ ઠીક ચાલવા લાગ્યું.


: ૩ :

એક દિવસ બાજુના ઓરડામાંથી “ઓય વોય રે ! મરી ગયો રે!” નો અવાજ આવ્યો.

અમારા કાન ચમક્યા. અમે વાર્તા કરતા હતા. છોકરાઓનું ધ્યાન તે તરફ ગયું. મેં વાર્તા બંધ રાખી કહ્યું: “એક જણ જઈને જુએ જોઈએ, શું છે ? કોણ રડે છે ? શા માટે રડે છે ?”

મોટો એવો છોકરો જોઈ આવ્યો ને કહે: “એ તો પેલા જીવાને માસ્તરે માર્યો.”

મે કહ્યું: “કેમ ?”

“એને ભૂગોળ નથી આવડતી.”

મે ફરી પૂછ્યું: “તેમાં માર્યો શા માટે?”

એક કહે: “લેસન કરી ન લાવે ત્યારે શું થાય ?”

મે કહ્યું: “ પણ ન આવડે તો ?”